લાંબો સમય બેસી રહેનારા લોકોને ડાયાબીટીસનું ૨૨ ટકા વધુ જોખમ

Friday 05th February 2016 06:00 EST
 
 

લંડનઃ દિવસભર તમે કેટલો સમય બેસવામાં ગાળો છો તેના આધારે ડાયાબીટીસ થવાનું જોખમ કેટલું રહેશે તે કહી શકાય છે. તાજેતરના એક ડચ અભ્યાસ અનુસાર એક દિવસમાં જરૂર કરતા એક કલાક વધુ બેસવામાં આવે તો ડાયાબીટીસ થવાનું જોખમ એક પંચમાશ જેટલુ વધે છે. અભ્યાસમાં જણાયું હતું કે ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતા લોકો આ રોગ વિનાના લોકોની સરખામણીએ દિવસમાં મોટા ભાગનો સમય બેસવામાં વીતાવતા હતા.

સામાન્ય ગ્લુકોઝ મેટાબોલિઝમ ધરાવતા લોકોની સરખામણીએ આ લોકો દરરોજ ૨૬ મિનિટ વધુ બેઠાડુ એટલે કે કોમ્પ્યુટર સામે બેસી રહેવા જેવી પોઝિશનમાં રહેતા હતા. સમગ્રપણે કહીએ તો બેઠાડું પોઝિશનમાં વધારાનો એક કલાક ગાળવાથી ટાઈપ-ટુ ડાયાબીટીસ થવાનું જોખમ ૨૨ ટકા વધે છે. જોકે, સંશોધનમાં એ પુરવાર થયું ન હતું કે કોચ પોટેટો જીવનશૈલી આ પરિસ્થિતિ વધારવાનું જોખમ વધારે છે. એવી શક્યતા હોઈ શકે કે ડાયાબીટીસ હોવાના કારણે લોકોમાં સક્રિયતા ઓછી થતી હોય.

અભ્યાસમાં ૨,૪૦૦થી વધુ લોકોને આવરી લેવાયા હતા, જેમાં સંશોધકોએ લોકોના હલનચલન, બેસી રહેવાનો સમય તેમજ બેઠાડું પરિસ્થિતિમાંથી કેટલી વખત ઉભાં થાય છે તેની માપણી કરી હતી. જોકે, ‘Diabetologia’ જર્નલમાં પ્રસિદ્ધ તારણોએ સ્પષ્ટ કર્યું હતું કે લાંબું બેસી રહેવામાં નાનકડો વિરામ લેવાથી ડાયાબીટીસ થવાના જોખમમાં કોઈ ફેરફાર આવતો નથી. ખરેખર તો, તમે કેટલો લાંબો સમય બેસી રહો છો તેના પર જ જોખમનો આધાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter