લંડનઃ મીડિયા રેગ્યુલેટર ઓફકોમના એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે લાઇવ ટીવી જોનારા યુવાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. હવે યુવાઓ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર વધુ સમય વીતાવી રહ્યાં છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે પરિવારોમાં પરંપરાગત ટેલિવિઝન જોવાનું હવે ઓછું થવા લાગ્યું છે જ્યારે રેડિયો સાંભળનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
ઓફકોમે જણાવ્યું હતું કે, 2023માં દર સપ્તાહે 48 ટકા યુવાઓએ જ લાઇવ ટીવી જોવાનું પસંદ કર્યું હતું. 2018માં આ સંખ્યા 76 ટકા હતી. મોટાભાગના યુવા હવે યુટ્યુબ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ તરફ વળી રહ્યાં છે.
16થી 24ની વયજૂથના યુવાઓ સપ્તાહમાં ફક્ત 20 મિનિટ ટીવી જુએ છે જ્યારે 25થી 34ની વયજૂથના લોકો સપ્તાહમાં સરેરાશ 35 મિનિટ ટીવી જોતાં હોય છે. જેની સામે 16થી 24ની વયજૂથના 93 ટકા અને 25થી 34ની વયજૂથના 63 ટકા યુવા યુટ્યુબ અને ટિકટોક જોવાનું પસંદ કરે છે.


