લંડનઃ નવા વૈજ્ઞાનિક અભ્યાસના તારણો અનુસાર ધૂમ્રપાન, શરાબપાન, વધુપડતો સૂર્યપ્રકાશ અને વાયુપ્રદુષણ જેવા પર્યાવરણીય અને બાહ્ય પરિબળો દસમાંથી નવ કેન્સર માટે કારણભૂત ગણાવાયા છે. અગાઉના સંશોધનોએ કોષોની અચાનક વિકૃતિઓ અથવા ‘ખરાબ નસીબ’ કેન્સરની ગાંઠના વિકાસમાં મોટી ભૂમિકા ભજવતી હોવાનું જણાવ્યું છે. આનો અર્થ એ થાય છે કે મોટા ભાગના કેન્સર લાઈફસ્ટાઈલ આધારિત હોવાથી તેને અટકાવી શકાય છે.
અભ્યાસના તારણો વિવાદાસ્પદ પુરવાર થઈ શકે છે કારણ કે લોકો સૂર્યપ્રકાશથી દૂર રહેવું, કસરત કરવી અથવા સિગારેટ્સ ઓછી કરવા સહિત લાઈફસ્ટાઈલમાં થોડાં ફેરફારો થકી કેન્સરના જોખમને ઘટાડી શકે તેમ તારણો કહે છે. બાહ્ય જોખમી પરિબળોને ચમત્કારિક રીતે દૂર રાખી શકાય તો ૭૦થી ૯૦ ટકા કેન્સરથી બચી શકાય છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના કેટ એલને કહ્યું છે કે, ‘કેન્સર અકસ્માતે થઈ જ જાય કે તેને થતાં અટકાવી ન શકાય તેવી માન્યતા ખોટી છે. યુકેના ત્રીજા ભાગના સૌથી સામાન્ય કેન્સર વધુ તંદુરસ્ત આહાર, વધુ કસરત અને આદર્શ વજન જાળવી રાખવાથી અટકાવી શકાય છે.’
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જાન્યુઆરીના સંશોધનોમાં જણાવાયું હતું કે ૬૫ ટકા કેન્સર અટકાવી શકાય તેવા નથી તેમજ કોષ વિભાજનોમાં આકસ્મિક ભૂલોથી તેને બળ મળે છે, જે આપણા નિયંત્રણમાં નથી. કોષોનું જેટલું વધુ વિભાજન થાય તેનાથી વિકૃતિ સર્જાય છે અને કેન્સર થાય છે. કેન્સર રિસર્ચ યુકેના આંકડા અનુસાર દર વર્ષે આશરે ૩૩૦,૦૦૦ લોકોને કેન્સરનું નિદાન થાય છે અને ૧૬૧,૦૦૦ના મૃત્યુ થાય છે.


