લાઈબ્રેરીને ૭૩ વર્ષે પુસ્તક પરત મળ્યુંઃ £૨,૮૪૭નો દંડ માફ!

Wednesday 24th November 2021 06:06 EST
 
 

લંડનઃ વિશ્વની કોઈ પણ લાઈબ્રેરીમાંથી વાંચવા માટે લીધેલું પુસ્તક ૧૪ દિવસમાં પરત કરવાનો સામાન્ય નિયમ હોય છે. જોકે, યુકેના ફાઈફમાં ડન્ફર્મલાઈનની સેન્ટ્ર્લ લાઈબ્રેરીમાં ૭૩ વર્ષ પછી એક પુસ્તક પરત કરવામાં આવ્યું છે જેના દંડની રકમ, યુકે માટે નવો વિક્રમ હોઈ શકે છે. આ પરત કરાયેલા પુસ્તક માટે ૨,૮૪૭ પાઉન્ડનો દંડ ભરવાપાત્ર થતો હતો. જોકે, લાઈબ્રેરી દ્વારા આ દંડ જતો કરવામાં આવ્યો છે.

ફાઈફમાં ડન્ફર્મલાઈન કાર્નેગી એન્ડ ગેલેરીઝ સેન્ટ્ર્લ લાઈબ્રેરીમાં લેખક રુપર્ટ હ્યુજિસની અમેરિકન સાહસ સંબંધિત નવલકથા ‘Stately Timber’ની પ્રત પોસ્ટ દ્વારા સ્કોટિશ હાઈલેન્ડના ક્રોમાર્ટીમાં રહેતી મહિલા દ્વારા મોકલાઈ ત્યારે આશ્ચર્ય ફેલાઈ ગયું હતું કારણકે આ નવલકથા સાત દાયકા અથવા તો ૭૩ વર્ષે લાઈબ્રેરીમાં પાછી ફરી હતી. આ પુસ્તક ૬ નવેમ્બર ૧૯૪૮ના દિવસે ઈસ્યુ કરાયું હતું. કોઈ પણ પુસ્તક ૧૪ દિવસ પછી પરત કરાય ત્યારે તેની પર લેવાતી દંડની રકમ ૨,૮૪૭ પાઉન્ડ જેટલી થતી હતી.

લાઈબ્રેરીના સત્તાવાળાઓ દ્વારા તપાસ કરાઈ ત્યારે જાણવા મળ્યું કે પુસ્તક લઈ જનાર મૂળ વ્યક્તિની દીકરીએ પુસ્તક પરત કરવાની કાળજી લીધી હતી. પુસ્તક સાથે પત્રમાં સ્પષ્ટ કરાયું હતું કે દ્વિતીય વિશ્વ યુદ્ધ પછીના વર્ષોમાં આ પુસ્તક લઈ જવાયું ત્યારે ફાઈફના થોર્ન્ટનમાં રહેતા તેના પિતાની વય ૨૦ વર્ષની હતી. તેઓ પુસ્તક પરત કરવાનું ભૂલી ગયા કે કેમ તેની કોઈ જાણ નથી.

અગાઉ આ લાઈબ્રેરીની રોઝીથ શાખામાં અન્ય એક પુસ્તક ૧૪ વર્ષ પછી પરત આવ્યું હતું. લાઈબ્રેરીમાં વર્ષો પછી કોઈ પુસ્તક પરત કરાયું હોય તેનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ યુકેની જ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજની સિડની સસેક્સ કોલેજને સંબંધિત છે. અહીંથી એક પુસ્તક ૧૬૬૮માં લઈ જવાયું હતું અને ૨૮૮ વર્ષ પછી પરત કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter