લાકડાના ચૂલા માટે નવા નિયમો, 300 પાઉન્ડનો દંડ અને ફોજદારી કાર્યવાહી થશે

નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારને 5000 પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે

Wednesday 08th February 2023 06:23 EST
 
 

લંડન

બ્રિટનમાં લાખો લોકો લાકડાંના ચૂલાનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ જાણતા નથી કે તેના દુરુપયોગ અને હવાના પ્રદૂષણના ઉલ્લંઘન માટે તેમને 300 પાઉન્ડનો દંડ અને ક્રિમિનલ કેસનો પણ સામનો કરવો પડી શકે છે. તાજેતરના વર્ષોમાં વીજળીના બિલ ઊંચા જતાં લાકડાના ચૂલા બ્રિટનવાસીઓમાં લોકપ્રિય બની રહ્યાં છે. મિડલ ક્લાસમાં તો હવે આ પ્રકારના ચૂલા સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. પરંતુ સરકારને ચિંતા છે કે આ પ્રકારના લાકડાના ચૂલાથી હવામાં ભયજનક પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે.

2.5 માઇક્રોમીટર કરતાં ઓછો વ્યાસ ધરાવતા પીએમ2.5 પાર્ટિકલ્સ હવામાં ભયજનક પ્રદૂષણ ગણાય છે. બ્રિટનમાં 2010થી 2020ના દાયકામાં આ પ્રદૂષણનું પ્રમાણ 35 ટકા વધી ગયું છે. આ પ્રદૂષણ નરી આંખે જોઇ શકાતું નથી અને સહેલાઇથી માનવીના ફેફસાંમાં પ્રવેશે છે. ત્યાંથી તે લોહીમાં ભળીને માનવશરીરના અંગોમાં જમા થાય છે. માનવ શરીરના માથાના વાળનો વ્યાસ 70 માઇક્રોમીટર હોય છે.

સ્થાનિક સત્તાવાળાઓ પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલન અને કોર્ટમાં તે પૂરવાર કરી શકાય તેવા પૂરાવા રજૂ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે. છેલ્લા 6 વર્ષમાં ધૂમાડો કરીને પ્રદૂષણ ફેલાવવા અંગે 18000 ફરિયાદો થઇ હોવા છતાં તેમાંથી ફક્ત 6ને જ દોષી ઠેરવી શકાયાં હતાં. તેથી હવે સરકાર લાકડાના ચૂલાના દુરૂપયોગને અટકાવવા દંડ લાદવાની તૈયારી કરી રહી છે જે અંતર્ગત મહત્તમ 300 પાઉન્ડનો દંડ કરાશે. વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારને 5000 પાઉન્ડ સુધીનો દંડ કરાશે અને ત્યારબાદ પ્રતિદિન 2500 પાઉન્ડ તેમાં ઉમેરાતાં રહેશે.

નવા નિયમો અંતર્ગત લાકડાના નવા ચૂલા અને મલ્ટી ફ્યુઅલ સ્ટવ અને ફાયર પ્લેસ માટે નવી ઇકોડિઝાઇન ગાઇડલાઇનનું સખ્તાઇથી પાલન કરવાનું રહેશે. તેના માટે એપ્રુવ્ડ લેબોરેટરી દ્વારા  સ્ટવની તપાસ કરાવી મંજૂરી લેવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter