લાખો અશ્વેત, ભારતીય અને એશિયનોને પશ્ચિમી દેશોએ યુરોપીય યુદ્ધમાં ઝોંકી દીધા

Wednesday 28th April 2021 05:51 EDT
 
 

લંડનઃ પ્રથમ વિશ્વયુદ્ધ યુરોપિયન પ્રભુત્વ સ્થાપવા ઉપરાંત, સંસ્થાનોનો કબજો મેળવવાની લડાઈ પણ હતી. આફ્રિકામાં બ્રિટન, જર્મની અને ફ્રાન્સ સહિતની પશ્ચિમી સત્તાઓએ આશરે ૨૦ લાખ લોકોને સૈનિકો અથવા મજૂરો તરીકે યુદ્ધમાં ઝોંકી દીધા હતા. એક અંદાજ અનુસાર તેમાંથી ૧૦ ટકા એટલે કે ૨૦૦,૦૦૦ના મોત થયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ સપ્ટેમ્બર,૧૯૧૪થી ચાર વર્ષ ૧૯૧૮ સુધી ચાલ્યું હતું. આ સમયે બ્રિટિશ ભારતના આશરે ૧૧ લાખ સૈનિકોએ ભાગ લીધો હતો. ભારતીય સેના પૂર્વી આફ્રિકા અને પશ્ચિમી મોરચા પર જર્મની, ઓટોમન (તુર્કી) સામ્રાજ્ય સામે યુદ્ધ લડ્યા હતા. આ ઉપરાંત ઈજિપ્ત, ફ્રાંસ તથા બેલ્જિયમમાં પણ લડ્યા હતા. મેસોપોટેમિયાના ગેલિપોલીમાં બ્રિટિશ ભારતના ૩,૦૦૦ સૈનિકોમાંથી અડધાથી વધુએ શહીદી વહોરી હતી.

૧૧ લાખ ભારતીય સૈનિકો લડ્યા

પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ સામ્રાજ્ય તરફથી ૧૧ લાખ ભારતીય સૈનિકો લડ્યા હતા અને ૭૪,૯૧૧ સૈનિક શહીદ થયા હતા અને વધુ ૭૪,૦૦૦ જેટલા સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. ભારતમાંથી યુદ્ધમાં સામેલ સૈનિકોમાંથી મોટાભાગના સૈનિકો સંયુક્ત પંજાબ પ્રાંતના હતા. ભારતીય સૈનિકોની મોટી સંખ્યામાં ખુવારી થવા ઉપરાંત ભારતીય અર્થતંત્રને પણ ભારે નુકસાન થયું હતું. હકીકત એ પણ છે કે મહાત્મા ગાંધીએ આ યુદ્ધમાં ભારતીય સૈનિકોને મોકલવાની વાતને સમર્થન આપ્યું હતું. ભારતના નેતાઓને એવી આશા હતી કે તેઓ વિશ્વયુદ્ધમાં બ્રિટનને સમર્થન કરવાના સંજોગોમાં સ્વતંત્રતા આપી દેશે. જોકે, જલિયાવાલા બાગ નરસંહારથી ભારતીય નેતાઓનો આ ભ્રમ ભાંગી ગયો હતો. આ યુદ્ધમાં ભારત માટે સૌથી ચિંતાજનક વાત એ હતી કે યુદ્ધ માટે મોકલવામાં આવેલા ઘણા સૈનિકોને તાલીમ પણ આપવામાં આવી ન હતી. પશ્ચિમી ક્ષેત્રમાં ભારતીય સૈનિકોના સાહસથી અનેક યુદ્ધોમાં વિજય મળ્યો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતમાંથી ૧૭૨, ૮૧૫ લાખ જાનવરોને મોકલવામાં આવ્યા હતા જેમાં, ઘોડા, ખચ્ચર, ટટ્ટુ, ઊંટ, બળદ અને દુધ આપતા ઘેટાં-બકરાનો પણ સમાવેશ થતો હતો.

બળજબરીથી લશ્કરમાં સામેલ કરાયા

બ્રિટિશ લાઈબ્રેરીના અભ્યાસ અનુસાર કુલ ૪૦ લાખથી વધુ અશ્વેત અને એશિયન સૈનિકોને યુરોપિયન અને અમેરિકન લશ્કરોમાં ગોઠવવામાં આવ્યા હતા. કોમનવેલ્થ વોર ગ્રેવ્ઝ કમિશન (CWGC)ના અનુસાર ઈજિપ્ત તેમજ ઈસ્ટ અને વેસ્ટ આફ્રિકાના સંસ્થાનોમાંથી ઘણા લોકોને ફરજિયાત, બળજબરી અને અપહરણ કરીને પણ યુદ્ધમાં મોકલાયા હતા. સંખ્યાબંધ ભારતીય સૈનિકોએ કોઈ લશ્કરી તાલીમ મેળવી ન હતી. ઈતિહાસવિદ ડેવિડ કિલિંગ્રે દ્વારા જણાવાયું છે કે માત્ર ઈજિપ્તમાં જ ૩૨૭,૦૦૦ સૈનિકોમાંથી ૭૫ ટકાને બળજબરીથી ભરતી કરાયા હતા. આવી બળજબરીથી સામેલ કરાયેલા લોકોનો ઉપયોગ હ્યુમન સપ્લાય ચેઈન અર્થાત મજૂરો અથવા વેઠિયા તરીકે કરાતો હતો. બ્રિટિશ ગુલામીના વેપારના વંશજો સહિત ૧૬,૦૦૦થી વધુ બ્રિટિશ કેરેબિયન્સે યુરોપ, ઈજિપ્ત પેલેસ્ટાઈન, સબ-સહરાન આફ્રિકા અને મેસોપોટેમિયાના રણમેદાનોમાં સેવા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter