લંડનઃ યુકેમાં કાયદેસર વસવાટની પરવાનગી ન ધરાવતા માઇગ્રન્ટ્સના પરિવહન માટે સરકારે રાઉન્ડ ધ ક્લોક મોનિટર્ડ યોજના તૈયાર કરી છે. આ યોજના વર્ષ 2028થી 10 વર્ષ માટે લાગુ થશે. લાખો માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે યોજનાને ત્રણ હિસ્સામાં વહેંચવામાં આવી છે. જે અંતર્ગત યુકેમાં જ માઇગ્રન્ટની હેરફેર કરવી, વિદેશોમાં દેશનિકાલ કરવા અને ફ્રાન્સમાં યુકે બોર્ડર કન્ટ્રોલ ચેકપોઇન્ટ ખાતે મોકલી આપવાનો સમાવેશ થાય છે.
દેશમાં જ માઇગ્રન્ટ્સની હેરફેરમાં ઇમિગ્રેશન રિમૂવલ સેન્ટરો સુધી પરિવહન, ટૂંકાગાળાની રોકાણ વ્યવસ્થા, જેલ, પોલીસ સ્ટેશન અને એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. તેમાં હોસ્પિટલોમાં બેડ વોચર્સ અને અન્ય મેડિકલ એસ્કોર્ટિંગ સર્વિસનો પણ સમાવેશ કરાયો છે.
સત્તાવાર દસ્તાવેજો અનુસાર ઓવરસીઝ સર્વિસ અંતર્ગત માઇગ્રન્ટ્સને અટકાયતના સ્થળેથઈ વિદેશમાં નક્કી કરાયેલા સ્થળો સુધી હવાઇ માર્ગે પહોંચાડવામાં આવશે. ઉત્તર ફ્રાન્સમાં આવેલા યુકેના બોર્ડર કન્ટ્રોલ વિસ્તારોમાં બોર્ડર ફોર્સના અધિકારીઓ ઇમિગ્રેશન ચકાસણી કરશે અને માઇગ્રન્ટ્સને યુકેમાં પ્રવેશતા અટકાવશે. આ યોજના પાછળ 1.4 બિલિયન પાઉન્ડનો ખર્ચ થશે પરંતુ સરકારનું કહેવું છે કે તે કાનૂની પ્રક્રિયાઓની સરખામણીમાં ઘણી સસ્તી પડશે.
લેબર સરકારના કાર્યકાળમાં 60,000 ગેરકાયદેસર માઇગ્રન્ટને દેશનિકાલ કરાયાં
હોમ ઓફિસના જણાવ્યા અનુસાર જુલાઇ 2024માં ચૂંટણી યોજાયા બાદ અત્યાર સુધીમાં 60,000 જેટલા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ અને ક્રિમિનલ્સને દેશનિકાલ કરાયાં છે. યુકેમાં ગેરકાયદેસર રહેતા 43,000 વિદેશી નાગરિકોએ સ્વેચ્છાએ યુકે છોડી દીધો છે. શબાના માહમૂદે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશનિકાલ કરવાનો વ્યાપ વધુ વિસ્તારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. લેબર સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 65,000 કરતાં વધુ માઇગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા.


