લંડનઃ કોરોના મહામારીથી આર્થિક સંકડામણ અનુભવતા લાખો પરિવારો માટે આગામી વર્ષે સરેરાશ કાઉન્સિલ ટેક્સ બિલ ૪.૩ ટકાના વધારા સાથે ૨૦૦૦ પાઉન્ડથી વધુ જેટલું થશે. ઈંગ્લેન્ડમાં કાઉન્સિલ ટેક્સમાં ૪.૩ ટકા અથવા ૭૮.૩૧ પાઉન્ડનો વધારો થશે. નોર્થ ઈસ્ટ અને સાઉથ વેસ્ટમાં સરેરાશ બેન્ડ D પ્રોપર્ટી માટે કાઉન્સિલ ટેક્સ ૨૦૦૦ પાઉન્ડથી પણ વધુ રહેશે. ૨૦૨૦/૨૧ના કાઉન્સિલ ટેક્સના બિલ્સમાં પ્રાદેશિક તફાવત ઘણો રહેશે.
ધ ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટન્સીના અભ્યાસ મુજબ આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં કાઉન્સિલ ટેક્સમાં ૪.૩ ટકા અથવા ૭૮.૩૧ પાઉન્ડનો વધારો જોવાં મળશે. નોર્થ ઈસ્ટ અને સાઉથ વેસ્ટમાં સરેરાશ બેન્ડ D પ્રોપર્ટી માટે કાઉન્સિલ ટેક્સ વધીને અનુક્રમે ૨૦૨૯.૯૦ પાઉન્ડ અને ૨૦૦૮.૭૮ પાઉન્ડ થવા જશે. સંશોધન અનુસાર ૨૦૨૦/૨૧ના કાઉન્સિલ ટેક્સના બિલ્સમાં પ્રાદેશિક તફાવત ઘણો રહેશે. ઈનર લંડનમાં સૌથી વધુ ૫.૫ ટકાનો જ્યારે ઈસ્ટ ઓફ લંડનમાં સૌથી ઓછો ૩.૫ ટકાનો વધારો જોવા મળશે. લંડનમાં ૨૦૨૧/૨૨માં બેન્ડ D પ્રોપર્ટી માટે સરેરાશ કાઉન્સિલ ટેક્સ ૧૩૭૭.૩૪ પાઉન્ડ છે જે આ કેટેગરીમાં દેશભરમાં સૌથી ઓછો છે.
આ સર્વે ઈંગ્લેન્ડ અને વેલ્સની ૨૯૦ લોકલ ઓથોરિટીઝ પાસેથી ક્વેશ્ચનરીના પ્રતિભાવ પર આધારિત છે જ્યાં ૧૩ સિવાયની ઓથોરિટીઝ તેમનો કાઉન્સિલ ટેક્સ વધારવાની છે. વેલ્સમાં સરેરાશ ટેક્સવધારો ૩.૯ ટકા અથવા ૬૪.૫૮ પાઉન્ડનો રહેશે.
સરેરાશ ટેક્સબિલ ૧૮૯૫.૨૫ પાઉન્ડ રહેવાની ધારણા છે. જોકે, અગાઉના ‘રેડ વોલ’ વિસ્તારો નોર્થ ઈસ્ટના તેમજ સાઉથ વેસ્ટમાં ૨૦૦૦ પાઉન્ડથી પણ વધુ બિલ રહેવાથી ટોરી સાંસદો રોષમાં આવી જશે.

