લંડનઃ ઇંગ્લેન્ડમાં લાખો મહિલાઓને બ્રેસ્ટ કેન્સર સામે આગોતરું રક્ષણ આપતી દવા ઓફર કરાશે. બ્રેસ્ટ કેન્સરમાં સારવાર માટે વર્ષોથી ઉપયોગમાં લેવાતી એનાસ્ટ્રોઝોલને હવે પ્રિવેન્ટિવ ઓપ્શન તરીકેનું લાયસન્સ અપાયું છે. તાજેતરમાં હાથ ધરાયેલી ટ્રાયલમાં જણાયું હતું કે, બ્રેસ્ટ કેન્સરના મધ્યમ અથવા તો ઉચ્ચ જોખમનો સામનો કરી રહેલી મેનોપોઝ વીતાવી ચૂકેલી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સંભાવના 50 ટકા ઘટાડી દે છે. કેન્સરની ફેમિલી હિસ્ટ્રી ધરાવતી મહિલાઓ માટે આ એક મોટી સફળતા છે. એક અંદાજ પ્રમાણે ઇંગ્લેન્ડમાં 2,89,000 મહિલાઓને આ દવા આપી શકાશે. જો આ પૈકીની દર 4માંથી એક મહિલા દ્વારા પણ આ દવા લેવાશે તો ઇંગ્લેન્ડમાં બ્રેસ્ટ કેન્સરના 2000 કેસ અટકાવી શકાશે. જેના કારણે એનએચએસ ઇંગ્લેન્ડ સારવાર પાછળ ખર્ચાતા 15 મિલિયન પાઉન્ડ બચાવી શકશે. જે મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ લાગતું હોય તેઓ તેમના જીપીનો સંપર્ક કરી શકે છે. જીપી તેમની ફેમિલી હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને તેમને સ્પેશિયાલિસ્ટ પાસે મોકલી આપશે. એનાસ્ટ્રોઝોલ દવા પર કોઇની પેટન્ટ નથી તેથી એક કરતાં વધુ કંપની તેનું નિર્માણ કરી શકે છે, આમ આ દવા અત્યંત સસ્તી રહેશે.


