લંડનઃ ગયા વર્ષે જનરલ ઈલેક્શનમાં લેબર પાર્ટીને મત આપનારા ૨.૭ મિલિયન લોકો માને છે કે જેરેમી કોર્બીન કરતાં થેરેસા મે વધુ સારા વડાપ્રધાન બનશે. ‘ધ ટાઈમ્સ’ માટે કરાયેલા You Gov સર્વેમાં થેરેસા મેની કન્ઝર્વેટિવ સરકારને ૪૦ ટકા જ્યારે લેબર પાર્ટીને ૨૮ ટકા મળ્યા હતા. આમ, તે લેબર પાર્ટી કરતાં ૧૨ ટકા આગળ છે. ટકાની દૃષ્ટિએ કોર્બીનના નેતૃત્વ હેઠળ પક્ષને આ વખતે આ સૌથી ઓછા મળ્યા હતા. સર્વેમાં Ukipને ૧૩ ટકા અને લિબ ડેમ્સને ૮ ટકા મત મળ્યા હતા.
છ વર્ષ અગાઉ કન્ઝર્વેટિવ સરકાર સત્તા પર આવી ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો તફાવત છે. ટોની બ્લેરના અનુગામી બનીને ગોર્ડન બ્રાઉને જે સરસાઈ મેળવી હતી તેના કરતાં પણ આ સરસાઈ મોટી છે. સર્વે મુજબ Ukipના મતદારોનું પણ થેરેસા મે પ્રત્યે આકર્ષણ વધ્યું છે.
ગયા વર્ષે લેબર પાર્ટીને મત આપનારા લોકોને વડાપ્રધાન તરીકે થેરેસા મે અને કોર્બીન વચ્ચે પસંદગી કરવા જણાવાયુ તો ૨૮ ટકાએ થેરેસા મેને પસંદ કર્યા હતા. આ સંખ્યા લેબરના ૯.૩ મિલિયન મતદારો પૈકી ૨.૭ મિલિયન થાય છે. માત્ર ૧૯ ટકા મતદારોનું માનવું હતું કે કોર્બીન સારા વડાપ્રધાન બની શકશે.
ઈયુ રેફરન્ડમમાં વોટ લીવના મતદારો પૈકી ૬૯ ટકા માને છે કે વડાપ્રધાન તરીકે થેરેસા મે શ્રેષ્ઠ પસંદગી છે. આ પ્રભાવશાળી સરસાઈને લીધે વડાપ્રધાન પર વહેલા ચૂંટણી યોજવા માટે દબાણ વધશે. કેટલાક ટોરી સાંસદોનું માનવું છે કે થેરેસા મેએ તે વિકલ્પનો ઉપયોગ કરવા તૈયાર રહેવું જોઈએ.


