લંડનઃ એપ્રિલ મહિનાથી નેશનલ લિવિંગ વેજ અને નેશનલ મિનિમમ વેજમાં વધારો અમલી બનવા સાથે યુકેના સૌથી ઓછું વેતન મેળવતા આશરે બે મિલિયન કામદારોનું વેતન વધી ગયું છે. નેશનલ લિવિંગ વેજ ૨.૨ ટકાના વધારા સાથે પ્રતિ કલાક ૮.૭૨ પાઉન્ડથી વધીને ૮.૯૧ પાઉન્ડ થશે અને ૨૪ અને ૨૪ વર્ષના લોકોને પણ સૌપ્રથમ વખત તેને લાભ મળશે.
બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેંગે કામદારોને તેમના હક મુજબનું વેતન મળ્યું છે કે નહિ તે ચકાસી લેવા જણાવ્યું છે. પહેલી એપ્રિલથી નેશનલ લિવિંગ વેજ અને નેશનલ મિનિમમ વેજમાં વધારો અમલી બન્યો છે. નેશનલ લિવિંગ વેજ પ્રતિ કલાક ૮.૯૧ પાઉન્ડ થવા સાથે પૂર્ણકાલીન કામદારને વાર્ષિક ૩૪૫ પાઉન્ડનો વધારો મળશે. આ વધારાનો અર્થ એ પણ છે કે લોકો ૨૦૧૦ની સરખામણીએ વાર્ષિક વધુ ૫,૪૦૦ પાઉન્ડની રકમ ઘેર લઈ જતા થશે. નેશનલ લિવિંગ વેજ ૨૦૧૬માં અમલી બન્યા પછી સૌપ્રધથમ વખત તેની મર્યાદા ૨૫ વર્ષથી ઘટાડી ૨૩ વર્ષ કરાઈ છે. આમ વધુ યુવાવર્ગ લાભાર્થી બનશે.
નેશનલ મિનિમમ વેજ સ્કૂલ છોડવાની વયથી ૨૨ વર્ષ સુધીના કામદારને લાગુ પડશે. આનાથી રીટેઈલ, હોસ્પિટાલિટી, અને સાફસફાઈ તેમજ મેઈન્ટેનન્સના ક્ષેત્રોમાં કામ કરનારાને લાભ મળશે.
નેશનલ લિવિંગ વેજ અને નેશનલ મિનિમમ વેજમાં વધારો થયો છે અને કોરોના મહામારી પછીનું વર્ષ પણ અપવાદરુપ નથી. ૧ એપ્રિલથી અમલી વધારો આ મુજબ છેઃ
• નેશનલ લિવિંગ વેજ (૨૩ અને વધુ વર્ષ), ૨.૨ ટકાનો વધારો. ૮.૭૨ પાઉન્ડથી વધીને ૮.૯૧ પાઉન્ડ પ્રતિ કલાક
• નેશનલ મિનિમમ વેજ (૨૧-૨૨ વર્ષ), ૨ ટકાનો વધારો. ૮.૨૦ પાઉન્ડથી વધીને ૮.૩૬ પાઉન્ડ પ્રતિ કલાક
• નેશનલ મિનિમમ વેજ (૧૮-૨૦ વર્ષ), ૧.૭ ટકાનો વધારો. ૬.૪૫ પાઉન્ડથી વધીને ૬.૫૬ પાઉન્ડ પ્રતિ કલાક
• નેશનલ મિનિમમ વેજ (૧૮થી ઓછી વય), ૧.૫ ટકાની વૃદ્ધિ. ૪.૫૫ પાઉન્ડથી વધીને ૪.૬૨ પાઉન્ડ પ્રતિ કલાક
• એપ્રેન્ટિસ રેટમાં પણ ૩.૬ ટકાની વૃદ્ધિ થઈ. પ્રતિ કલાક ૪.૧૫ પાઉન્ડથી વધીને ૪.૩૦ પાઉન્ડ