લંડનઃ યુકેના લાખો વર્કર્સને પહેલી એપ્રિલથી ૨.૨ ટકાનો વેતનવધારો મળશે જેનાથી નેશનલ લિવિંગ વેજ પ્રતિ કલાક ૮.૯૧ પાઉન્ડ થઈ જશે. ફૂલ ટાઈમ કામ કરનારા વર્કર માટે આ વધારો વાર્ષિક ૩૪૫ પાઉન્ડની સમકક્ષ હશે. ચાન્સેલર રિશિ સુનાકે બજેટમાં લાખો વર્કર માટે મિનિમમ વેજ વધારાની જાહેરાત કરી હતી.
સુનાકે એપ્રેન્ટિસશિપ મુદ્દે જણાવ્યું હતું કે કામે રખાયેલી કોઈ પણ વયની નવી વ્યક્તિ માટે બિઝનેસીસને અપાતું ઈન્સેન્ટિવ પેમેન્ટ વધારીને ૩,૦૦૦ પાઉન્ડ કરવામાં આવશે. લોકડાઉન નિયંત્રણો હળવાં થતાં જશે તેમ સપોર્ટ પેકેજીસ બંધ કરવામાં આવશે તેવા પ્રશ્નના ઉત્તરમાં ચાન્સેલરે જણાવ્યું હતું કે સપોર્ટ વડા પ્રધાનના રોડમેપ સાથે સંકળાયેલો છે. રોડમેપ અનુસાર ઈકોનોમી ફરી ખુલતી જશે ત્યારે લોકોને તેની સાથે સપોર્ટ મળતો રહે તેની ચોકસાઈ રખાશે. લોકોને રક્ષણ અને સપોર્ટ તેમજ નોકરીઓનું સર્જન આર્થિક પ્રાથમિકતા બની રહેશે.
નેશનલ લિવિંગ વેજ
એમ્પ્લોયર્સે ૧ એપ્રિલથી પોતાના વર્કર્સને નીચેના દરે કાયદેસર વેતન ચૂકવણી કરવાની રહેશે.
વયજૂથ વેતનદર
વર્ષ ૨૩ અને વધુ - પ્રતિ કલાક ૮.૯૧ પાઉન્ડ
વર્ષ ૨૧થી ૨૨ - પ્રતિ કલાક ૮.૩૬ પાઉન્ડ
વર્ષ ૧૮થી ૨૦ - પ્રતિ કલાક ૬.૫૬ પાઉન્ડ
વર્ષ ૧૬થી ૧૭ - પ્રતિ કલાક ૪.૬૨ પાઉન્ડ
એપ્રેન્ટિસ - પ્રતિ કલાક ૪.૩૦ પાઉન્ડ


