લંડનઃ એક બ્રિટિશ નાગરિકે નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડમાં તેની પત્ની લાપતા થઈ તે પહેલાં તેણે ઉચ્ચારેલા ભાવુક આખરી શબ્દો સંભળાવ્યા છે. ઇસ્ટ સસેક્સમાં રહેતા પ્રમોદ પૌડેલે જણાવ્યું હતું કે તેણે બુધવારે સાંજે 4:15 વાગ્યે તેની નવપરણિત પત્ની સાથે છેલ્લી વાર વાત કરી હતી. તે વાતચીત દરમિયાન તેની પત્નીએ કહ્યું હતું, તમે કેમ છો? હું તમને ખૂબ પ્રેમ કરું છું. પ્રમોદે ઉમેર્યું કે પૂર આવ્યા બાદથી તે તેના પરિવારના કોઈ પણ સભ્ય સાથે સંપર્ક સાધી શક્યો નથી. પૌડેલ હાલ નેપાળ પહોંચી ગયો છે અને તેની પત્ની ઉપરાંત તેની માતા (52), ભાઈ (31) અને કાકા (64)ની શોધખોળ કરી રહ્યો છે, જેઓ તમામ હજુ પણ લાપતા છે. તેણે જણાવ્યું હતું કે, મને તેમને શોધી કાઢવાની પૂરી આશા છે, પરંતુ હું ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યો છું. આ મારા પરિવાર અને મારા દેશ માટે આ ખૂબ જ કઠિન સમય છે, પરંતુ સ્વાભાવિક રીતે મારે ત્યાં જઈને પરિસ્થિતિ જોવી પડશે.

