લંડનઃ ભારતના કેરળની 22 વર્ષીય વિદ્યાર્થિની સાન્ટ્રા એલિઝાબેથ સાજુનો મૃતદેહ એડિનબરાના ન્યૂબ્રિજ નજીક આલમોન્ડ નદીમાંથી મળી આવ્યો છે. સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે 6 ડિસેમ્બરથી લાપતા સાન્ટ્રા સાજુની શોધ 27 ડિસેમ્બરની સવારેં કરૂણાંતિકામાં ફેરવાઈ હતી. પોલીસ તેના મૃત્યુને શંકાસ્પદ ગણાવી રહી નથી. સાન્ટ્રાના પરિવારને મોતની જાણકારી આપી દેવાઈ હતી.
કેરળના એર્નાકૂલમ જિલ્લાના કોલેન્ચેરી ટાઉનની અને સ્કોટલેન્ડના એડિનબરાની હેરિઓટ-વોટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સાન્ટ્રા છેલ્લે 6 ડિસેમ્બરે લિવિંગસ્ટનના સુપરમાર્કેટ અસડા સ્ટોરમાં રાત્રે 9.10થી 9.45ના ગાળામાં જોવાં મળી હતી. તેણે બ્લેક ફેસ માસ્ક અને બ્લેક વિન્ટર કોર્ટ પહેરેલો હતો. સાન્ટ્રા ગુમ થવાથી પરિવાર અને મિત્રો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરિવારે જણાવ્યું હતું કે આવી રીતે ગૂમ થઈ જવાનો તેના સ્વભાવ સાથે મેળ ખાતો નથી. પોલીસને સાન્ટ્રાના મોતમાં ત્રીજા પક્ષની સંડોવણી વિશે કોઈ શંકા નથી.