લંડનઃ સરકારે રાજ્યાશ્રય માગનારી ૧૦,૦૦૦ લાપતા વ્યક્તિઓને શોધવાની કામગીરી બંધ કરી દીધી છે. બ્રિટનમાં જ છુપાયેલી આ વ્યક્તિઓની શોધખોળ પાછળ નાણા સહિતના સ્રોતોનો ખોટો બગાડ થતો હોવાનું સરકારે જણાવ્યું છે. ઈમિગ્રેશન કાયદાઓના અમલમાં ભારે મુશ્કેલી નડતી હોવાનું ચીફ ઈન્સ્પેક્ટર ઓફ બોર્ડર્સ એન્ડ ઈમિગ્રેશન ડેવિડ બોલ્ટના રિપોર્ટમાં જણાવાયું છે. આ ઉપરાંત, ૩૦,૪૦૬ અન્ય રાજ્યાશ્રય માગનારાને દેશમાંથી દૂર કરાયા નથી અથવા તો તેમના અપીલના અધિકારોનો ઉપયોગ થઈ જવા પછી બે વર્ષ રહેવાની પરવાનગી અપાયેલી છે. બીજી તરફ, તાજેતરના વર્ષોમાં યુકે આવેલા દસ લાખથી વધુ ઈયુ માઈગ્રન્ટ્સનો કોઈ હિસાબ મળતો ન હોવાથી સરકાર સામે ‘માઈગ્રેશન કવર-અપ’નો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
હોમ ઓફિસના જણાવ્યા અનુસાર આશરે ૧૦,૦૦૦ કેસમાં મુખ્ય અરજદાર અને બાળકો સહિત તેમના આશ્રિતો દેશમાં ભાગી ગયા છે અથવા વિભાગના સંપર્કમાં નથી. આ સંખ્યામાં અરજી વિશે નિર્ણયની રાહ જોનારા તેમજ રેફ્યુજી દરજ્જા અંગે દાવા નકારાયા પછી પણ દેશમાં જ રહેનારાઓનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ટીમો લાપતા દાવેદારોને શોધવા રહેઠાણોની મુલાકાત લઈ શકે છે, પરંતુ આ કામની પ્રાથમિકતા નથી અને તેના પાછળ વધુ ખર્ચ થતો હોવાથી આ કામ કરાતું નથી. એસાઈલમ કેસમાં જેટલો વિલંબ થાય તેનાથી તેમને દૂર કરવામાં નવા સંબંધોની રચના, બાળકોનો જન્મ અને અન્ય સામાજિક સંબંધો જેવાં નવા અવરોધો સર્જાતા રહે છે.
નિષ્ફળ એસાઈલમ સીકર્સને દૂર કરવામાં હોમ ઓફિસ પણ નિષ્ફળ ગઈ છે. ૪૭,૦૦૦ લોકોએ ઈમિગ્રેશન સત્તાવાળાઓ સમક્ષ રિપોર્ટિંગ કરવાનું રહે છે. આ આંકડો વધતો જ જાય છે અને પરિણામે સ્રોતો પર દબાણ વધે છે. ગત ત્રણ વર્ષોમાં રાજ્યાશ્રય માટેની અરજીનું પ્રમાણ ૨૧,૦૦૦થી ૨૫,૦૩૩ જેટલું રહ્યું છે, જ્યારે આ જ સમયગાળામાં દાવા નકારવાનું પ્રમાણ વાર્ષિક ૧૧,૦૦૦ની આસપાસ રહ્યું છે.


