લાલ બત્તીઃ ગમે ત્યાં કચરો નાખશો તો જાતે જ ગંદકી સાફ કરવી પડશે

20 કલાક કોમ્યુનિટી સર્વિસ, 300 પાઉન્ડ સુધી દંડ અને લાયસન્સ પર પેનલ્ટી પોઇન્ટ સહિતની દંડનીય કાર્યવાહીની જોગવાઇ

Tuesday 24th March 2026 11:17 EDT
 
 

લંડનઃ ગમે ત્યાં કચરો નાખનારને દંડિત કરવા ઇંગ્લેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓને વધુ અધિકાર અપાવા જઇ રહ્યાં છે. જે અંતર્ગત કાઉન્સિલ ગમે ત્યાં કચરો નાખનાર પાસે જ ગંદકી સાફ કરાવશે અને કોર્ટ કેસ વિના જ દંડ પણ ફટકારશે. વધી રહેલા વેસ્ટ ક્રાઇમને અટકાવવા માટે સરકાર દ્વારા સંખ્યાબંધ પ્રસ્તાવ રજૂ કરાયા છે, તેમાં આ એક પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે.

કચરાને નિયંત્રિત કરતી એન્વાયરમેન્ટ એજ્સીએ જણાવ્યું છે કે અમને ગેરકાયદેસર કચરાના 740 સ્થળ મળી આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં આવા સ્થળની સંખ્યા બમણી થઇ ગઇ છે.

સરકારના નવા પ્રસ્તાવ અનુસાર કચરાનો ગેરકાયદેસર નિકાલ કરનારને ગંદકી સાફ કરવા માટે 20 કલાક કોમ્યુનિટી સર્વિસની સજા અને 300 પાઉન્ડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. પરંતુ લોકલ ગવર્મેન્ટ એસોસિએશને જણાવ્યું છે કે આ પગલાંના અમલ માટે કાઉન્સિલોને સ્ત્રોત ઉપલબ્ધ કરાવવામાં આવે.

એન્વાયરમેન્ટ સેક્રેટરી એમ્મા રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, જો તમે સડક પર કચરો ફેંકશો તો તમારે જ સફાઇ કરવી પડશે અને તેનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. તમારા અપરાધોનો ખર્ચ કરદાતા નહીં ઉઠાવે.

તાજેતરમાં જ સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે કચરો ફેંકનારા વાહનચાલકોના લાયસન્સ પર પેનલ્ટી પોઇન્ટ લાગુ કરાશે. એન્વાયરમેન્ટ એજન્સીને પોલીસ જેવી સત્તા અપાશે. તે વોરન્ટ વિના જ સ્થળ પર સર્ચ કરી શકશે અને કચરો ફેંકનાર શંકાસ્પદની ધરપકડ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter