લિઝ ટ્રસ ભારત અને બ્રિટન વચ્ચેના મજબૂત સંબંધોના પ્રખર હિમાયતી

Wednesday 07th September 2022 05:24 EDT
 
 

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના નવા વરાયેલા વડાંપ્રધાન લિઝ ટ્રસને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, બ્રિટનના વડાંપ્રધાન બનવા માટે તમને અભિનંદન. મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં બ્રિટન અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. તમારી નવી ભુમિકા અને જવાબદારીઓ માટે તમને શુભેચ્છા.
લિઝ ટ્રસના આગમનની સાથે ઘણાના મનમાં એ વિચાર રમી રહ્યો હશે કે ટ્રસની આગેવાનીમાં બ્રિટનના ભારત સાથેના સંબંધો કેવા હશે? ટ્રસના આગમન સાથે બ્રિટન સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો કેવા રહેશે તે સમજવાની પ્રક્રિયા ભારતમાં શરૂ થઇ ચૂકી છે. ઇન્ડો પેસિફિકમાં ભારતના પ્રભાવને જોતાં લિઝ ટ્રસ ભારત સાથેના સંબંધો વધુ સુધારવાના પ્રયાસ કરશે. લિઝ ટ્રસ ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા ઘણા પ્રતિબદ્ધ છે. આ પહેલાં પણ તેઓ દીવાળી પહેલાં ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનું વચન આપી ચૂક્યાં છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે, હું ભારત સાથે લાઇફ સાયન્સથી માંડીને ટેકનોલોજી અને કૃષિ સુધીના તમામ સેક્ટરને આવરી લેતી ટ્રેડ ડીલની તરફેણ કરું છું.
ભારતીયોને બ્રિટનના વિઝા મામલે પણ લિઝ ટ્રસ હકારાત્મક વલણ ધરાવે છે. અગાઉ તેમણે જણાવ્યું હતું કે, મારા મનમાં કોઇ શંકા નથી કે વિશ્વના તેજસ્વી અને શ્રેષ્ઠ પૈકીના ઘણા લોકો ભારતમાં છે. એવા લોકોને બ્રિટન આવવા આકર્ષવા માટે હું આપણી વિઝા સિસ્ટમની ચકાસણી કરીશ. જોકે લિઝ ટ્રસ ભારતના રશિયા સાથેના સંબંધોથી વિચલિત પણ છે. અંતે તો તેઓ એક ટિપિકલ પશ્ચિમી નેતા છે. તેઓ ઇન્ડો પેસિફિકનું મહત્વ સારી રીતે સમજે છે પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેના પર હાવી થઇ રહ્યું છે. રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રુડ ઓઇલની ખરીદી કરવાના ભારતના નિર્ણયથી પણ તેઓ નારાજ છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે, ભારતે શું કરવું જોઇએ તે હું તેમને કહેવાની નથી. ટ્રસને ભારત અને બ્રિટન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોના પ્રખર હિમાયતી માનવામાં આવે છે. 2022ના પ્રારંભે જહોન્સન સરકારના વિદેશમંત્રીની રૂએ તેમણે ભારતની મુલાકાત લીધી હતી. તેમના કાર્યકાળમાં બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત બન્યાં છે. ટ્રસે ગયા વર્ષે ભારત-યુકે એનહેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ કરાર બાદ બંને દેશ વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેનો માર્ગ મોકળો બન્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter