લિઝ ટ્રસના શિરે તાજ

Wednesday 07th September 2022 04:38 EDT
 
 

લંડન: કન્ઝર્વેટિવ પાર્ટીમાં બોરિસ જ્હોન્સનના અનુગામીની પસંદગી માટેની રેસનો 5 સપ્ટેમ્બર 2022ના રોજ અંત આવી ગયો હતો. રસાકસીભરી લીડરશિપ રેસમાં લિઝ ટ્રસે તેમના પ્રતિસ્પર્ધી રિશી સુનાકને લગભગ 20,000 મતથી પરાજય આપતાં લિઝ ટ્રસ બ્રિટનના 56મા અને ત્રીજા મહિલા વડાપ્રધાન તરીકે પસંદગી પામ્યા છે. લીડરશિપની રેસમાં લિઝ ટ્રસને 81,326 અને રિશી સુનાકને 60,399 મત મળ્યાં હતાં. પાંચમી સપ્ટેમ્બરે વેસ્ટમિન્સટરમાં આવેલા ક્યુઇટુ સેન્ટર ખાતે આયોજિત કન્ઝર્વેટિવ પાર્ટીની સમારોહમાં પાર્ટીની 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડી દ્વારા પરિણામની જાહેરાત કરાઇ હતી.
લિઝ ટ્રસને રિશી સુનાકે આકરી સ્પર્ધા પૂરી પાડી હતી. લિઝ ટ્રસને કન્ઝર્વેટિવ પાર્ટીના 57 ટકા અને રિશી સુનાકને 43 ટકા સભ્યોનું સમર્થન હાંસલ થયું હતું. નેતાની પસંદગી માટે કુલ 82.6 ટકા મતદાન થયું હતું.

વડાપ્રધાનપદ માટે પસંદગીની જાહેરાત બાદ લિઝ ટ્રસે સમારોહને સંબોધતાં જણાવ્યું હતું કે, પૃથ્વી પરની મહાન રાજકીય પાર્ટીના નવા નેતા તરીકેની પસંદગી મોટું બહુમાન છે. હું જાણું છું કે, આપણી માન્યતાઓ બ્રિટિશ જનતાને અનુરૂપ છે. મેં કન્ઝર્વેટિવ તરીકે પ્રચાર કર્યો અને કન્ઝર્વેટિવ તરીકે જ શાસન પણ ચલાવીશ. હું કરવેરામાં કાપ અને અર્થતંત્રના વિકાસ માટે કામ કરવા જઇ રહી છું. ટોરી પાર્ટીએ એ બતાવી દેવાની જરૂર છે કે આગામી બે વર્ષમાં તે મતદારોને આપેલા તમામ વચનો પૂરા કરી શકે છે. 2024માં આપણે કન્ઝર્વેટિવ પાર્ટીને મહાન વિજય અપાવીશું.
લિઝ ટ્રસે લીડરશિપની રેસમાં તેમની સામે ઉતરેલા રિશી સુનાક સહિતના અન્ય ઉમેદવારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, નેતાપદ માટે જે રીતે ગળાકાપ સ્પર્ધા યોજાઇ તે કન્ઝર્વેટિવ પાર્ટીમાં રહેલી ટેલેન્ટને દર્શાવે છે. બોરિસ જ્હોન્સનનો આભાર માનતા ટ્રસે જણાવ્યું હતું કે, તેમણે સફળતાપુર્વક બ્રેક્ઝિટનો અમલ કર્યો, કોરોના મહામારીમાં જનતાને વેક્સિન પૂરી પાડી અને યુક્રેન પર હુમલા માટે રશિયાના પ્રમુખ પુતિન સામે દ્રઢતાથી ઊભા રહ્યા. વિજય બાદ એક ટ્વીટમાં લિઝે જણાવ્યું હતું કે, આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા મારામાં મૂકેલા વિશ્વાસને માટે હું આભાર માનુ છું.
6 સપ્ટેમ્બરના મંગળવારના રોજ વિદાય લઇ રહેલા વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પત્ની કેરી સાથે બાલમોરલ ખાતે મહારાણી એલિઝાબેથ બીજાની સાથે 40 મિનિટની મુલાકાતમાં રાજીનામુ સુપ્રત કર્યું હતું જેનો બંકિંગહામ પેલેસ દ્વારા સ્વીકાર કરાયો હતો. જ્હોન્સન બાદ લિઝ ટ્રસ મહારાણીને મળ્યાં હતાં અને કિસિંગ હેન્ડ સેરેમની બાદ તેઓ સત્તાવાર રીતે બ્રિટનના વડાંપ્રધાન તરીકે સ્થાપિત કરાયાં હતાં. બાલમોરલથી લંડન પરત ફર્યા બાદ લિઝ ટ્રસે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પહોંચ્યા હતા. મહારાણીએ તેમના કાર્યકાળના 15મા વડાપ્રધાન લિઝ ટ્રસને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું.
કન્ઝર્વેટિવ પાર્ટી એક પરિવાર છે – રિશી સુનાક
લિઝ ટ્રસના વિજયની જાહેરાત બાદ રિશી સુનાકે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, આ અભિયાનમાં મને મત આપનારા તમામનો હું આભારી છું. હું પહેલેથી કહેતો આવ્યો છું કે કન્ઝર્વેટિવ પાર્ટી એક પરિવાર છે. હવે સમય આવી ગયો છે કે આપણે નવા વડાપ્રધાન લિઝ ટ્રસને સફળ બનાવવા એકજૂથ થઇએ. તેઓ મુશ્કેલ સમયમાં દેશનું સુકાન સંભાળી રહ્યાં છે.
બોરિસ જ્હોન્સન હવે ખુલીને ટ્રસના સમર્થનમાં આવ્યા
અગાઉ જાહેરમાં તટસ્થ રહેનારા બોરિસ જ્હોન્સન હવે ખુલીને લિઝ ટ્રસના સમર્થનમાં આવ્યા છે. ટ્રસના વિજય પર તેમણે જણાવ્યું હતું કે, સુનાક દ્વારા રજૂ કરાયેલી યોજનાઓ સામે મને વાંધો હતો. આ નિર્ણાયક વિજય માટે હું લિઝ ટ્રસને અભિનંદન આપું છું. હું જાણું છું કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સામે લડવા ટ્રસ પાસે યોગ્ય યોજના છે. તે પાર્ટીને એકજૂથ રાખી શકે છે અને દેશના વિકાસ માટે મહાન કામ કરી શકે છે. હવે બધા કન્ઝર્વેટિવોએ ટ્રસના સમર્થનમાં કામ કરવાનો સમય આવી ગયો છે.
વિપક્ષોની નજરે લિઝ ટ્રસ
- લિઝ ટ્રસના નેતૃત્વમાં પણ બોરિસ જ્હોન્સનના કાર્યકાળ જેવી જ કટોકટી અને અંધાધૂંધી જોવા મળશે. કોસ્ટ ઓફ લિવિંગ ઇમરજન્સીથી માંડીને એનએચએસ ક્રાઇસિસ સુધી કન્ઝર્વેટિવોએ પૂરવાર કર્યું છે કે તેમને કોઇ ચિંતા નથી અને તેમની પાસે કોઇ યોજના પણ નથી. અત્યારે વીજળીના બિલોનો ભાવવધારો પાછો ખેંચીને સંસદની ચૂંટણી જાહેર કરવી જોઇએ – એડ ડેવી, નેતા લિબરલ ડેમોક્રેટ્સ
- 12 વર્ષના શાસનકાળમાં ટોરી સરકારે આપણને ઓછાં વેતન, મોંઘવારી અને ટોરી બ્રાન્ડની કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસની ભેટ આપી છે. ફક્ત લેબર પાર્ટી જ આપણા દેશની જરૂરીયાતો પૂરી કરવાના અભિયાનનો નવો પ્રારંભ કરી શકે છે – સર કેઇર સ્ટાર્મર, લેબર પાર્ટીના નેતા

લિઝ ટ્રસે રિશી સુનાકની ધરાર અવગણના કરી

લિઝ ટ્રસે તેમના સંબોધનમાં કન્ઝર્વેટિવ પાર્ટીને એકજૂથ કરવાની સુફિયાણી વાતો કરી હતી પરંતુ વડાપ્રધાન જાહેર થયા બાદ તેમણે તેમને મજબૂત પડકાર આપનાર રિશી સુનાકની ધરાર અવગણના કરી હસ્તધનૂન કરવાનું ટાળ્યું હતું. નેતાપદની જાહેરાત સમયે પણ લિઝ ટ્રસ રિશી સુનાકથી એક સીટ છોડીને બેઠા હતા. વિજેતાની ઘોષણા થતાં જ ટ્રસ સુનાકને અવગણીને સીધા સ્ટેજ પર ચાલ્યા ગયા હતા. આ પહેલાં 2019માં લીડરશિપની જાહેરાત સમયે બોરિસ જ્હોન્સન અને જેરેમી હન્ટ એકબીજાની સાથે બેઠા હતા અને નેતાની જાહેરાત બાદ સ્ટેજ પર જતાં પહેલાં જ્હોન્સને જેરેમી હન્ટનું અભિવાદન કર્યું હતું. રિશી સુનાક પ્રત્યેના લિઝ ટ્રસના વલણે ઘણા સવાલો જન્માવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter