લંડનઃ યુકેની સરકારે લિન્ડી કેમરોનની ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નરપદે નિયુક્તિ કરી છે. આ મહિનામાં ભારત ખાતે પોતાની જવાબદારી સંભાળવા જઇ રહેલા લિન્ડી કેમરોન ભારતમાં નિયુક્ત થયેલા પહેલા મહિલા બ્રિટિશ હાઇ કમિશ્નર છે.
નિયુક્તિની જાહેરાત બાદ લિન્ડીએ જણાવ્યું હતું કે, ભારતમાં બ્રિટિશ હાઇ કમિશ્નર તરીકેની નિયુક્તિનું મને ગૌરવ છે. અદ્દભૂત વારસો છોડી જવા માટે એલેક્સ એલિસનો આભાર. ભારત ખાતેની યુકેની ટીમ સાથે કામ કરવા હું આતુર છું.
લિન્ડી કેમરોન 2020થી યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ બ્રિટિશ સરકાર માટે 1998થી કામ કરી રહ્યાં છે. તેઓ 2019-20માં નોર્ધન આયર્લેન્ડ ઓફિસના ડિરેક્ટર જનરલ તરીકે કામગીરી કરી ચૂક્યા છે. તેમણે યુકેની સહાય એજન્સી ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં પણ લાંબો સમય ફરજ બજાવી ચૂક્યા છે. 1998થી 2007 વચ્ચે તેમણે કાબુલ, બગદાદ, હનોઇ અને લાગોસ કામગીરી કરી હતી.


