લંડનઃ યુનેસ્કોએ ઈંગ્લેન્ડના લિવરપૂલ નગરને વર્લ્ડ હેરિટેજની યાદીમાંથી હટાવી દીધું છે. લિવરપૂલના ઐતિહાસિક વિક્ટોરિયન દરિયાતટની સ્થળોએ ફૂટબોલ સ્ટેડિયમ સહિત નવી ઈમારતોથી વૈશ્વિક ધરોહર તરીકે શહેરના આકર્ષણને ભારે નુકસાન પહોંચ્યું છે. ચીનમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. લિવરપૂલને વર્ષ ૨૦૦૪માં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો અપાયો હતો. લિવરપૂલના જોઆન એન્ડરસને યુનેસ્કોના નિર્ણયથી નિરાશા અને ચિંતા દર્શાવી તેની સામે અપીલ કરવાનું જણાવ્યું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની વૈશ્વિક યાદીમાં યુકેનો ૮મો ક્રમ છે. હવે લિવરપૂલને બાદ કરતા તેના ૩૧ સ્થળો આ યાદીમાં રહે છે.
લિવરપૂલ ૧૮મી અને ૧૯મી સદીમાં મહત્ત્વનું વેપારી કેન્દ્ર હતું. તેનો વિક્ટોરિયન કાળનો સુંદર દરિયાકિનારો પ્રવાસીઓને આકર્ષે છે. લિવરપૂલ અત્યાર સુધી ચીનની મહાન દીવાલ, ભારતના સુંદર તાજમહાલ, પિસાના ઢળતા મિનારા જેવા વિશ્વના મહાન સાંસ્કૃતિક લેન્ડમાર્ક્સની હરોળમાં બેઠું હતું. જોકે, ઐતિહાસિક દરિયાકિનારા નજીક શરુ કરાયેલી અત્યાધુનિક ઈમારતોના નિર્માણની યોજનાઓએ તેના આ દરજ્જાનો ભોગ લીધો છે. યુનેસ્કોએ ૨૦૧૨માં જ ચેતવણી આપી હતી કે બ્રામલે-મૂરે ડોક ખાતે એવર્ટન ફૂટબોલ ક્લબના ૫૦૦ મિલિયન પાઉન્ડના નવા સ્ટેડિયમ તેમજ વપરાશ વિનાની જમીનોના રુપાંતર માટે પીલ ગ્રૂપ દ્વારા હાથ ધરાયેલા ૫.૫ બિલિયન પાઉન્ડના લિવરપૂલ વોટર્સ પ્રોજેક્ટના પરિણામે વોટરફ્રન્ટની આગવી ઓળખ અને હેરિટેજ વેલ્યુ નષ્ટ થઈ રહી છે. યુનેસ્કોએ ડોકલેન્ડ ટેક્નોલોજી, ઉત્તમ પરિવહન અને બંદર મેનેજમેન્ટના કારણે લિવરપૂલને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે યાદીમાં સામેલ કર્યું હતું.
લિવરપૂલ પહેલાં વિશ્વના ફક્ત બે સ્થળને આ યાદીમાંથી બહાર કરાયાં છે. યુનેસ્કોએ ૨૦૦૭માં ઓમાનના અરબી ઓરિક્સ અભયારણ્યને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાંથી બહાર કર્યું હતું. વન્યજીવ ઓરિક્સની સંખ્યા ઘટતા સરકારે અભયારણ્યનો વિસ્તાર પણ ૯૦ ટકા ઘટાડી દીધો હતો. બીજી તરફ, ૨૦૦૭માં જર્મનીના ડ્રેસડેનની એલબે ખીણની નદી પર ચાર લેનનો મોટરવે પુલ બનાવાયાથી ખીણને પણ યાદીમાંથી બહાર કરાઈ હતી.