લિવરપૂલ સ્યુસાઈડ બોમ્બરે સાત મહિના સુધી વિસ્ફોટની યોજના ઘડી

Wednesday 24th November 2021 06:01 EST
 
 

લંડનઃ રિમેમ્બરન્સ સન્ડે અથવા પોપી ડેએ લિવરપૂલ વિમેન્સ હોસ્પિટલની બહાર વિસ્ફોટ માટે જવાબદાર ૩૨ વર્ષીય સ્યુસાઈડ બોમ્બર એમાદ અલ સ્વીલમીને સાત મહિના સુધી વિસ્ફોટની યોજના ઘડી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ટેક્સી વિસ્ફોટમાં માર્યા ગયેલા આતંકકવાદીએ એપ્રિલ મહિનામાં લિવરપૂલમાં ભાડાની જગ્યાએ બોમ્બ ફેક્ટરી ઉભી કરી હતી.

સ્યુસાઈડ બોમ્બર એમાદ અલ સ્વીલમીને સાત મહિના સુધી વિસ્ફોટની યોજના ઘડી઼વાની સાથોસાથ વિવિધ વિસ્ફોટક પદાર્થો સાથે પ્રયોગો કર્યા હતા. તેણે છેક એપ્રિલ મહિનામાં લિવરપૂલના સેફ્ટોન પાર્કના રુટલેન્ડ એવન્યુના ભાડે લીધેલા સ્થળે પ્રયોગો માટે બોમ્બ ફેક્ટરી પણ ઉભી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સ્થળે તપાસમાં જણાયું હતું કે તેણે લંડનના ૭/૭ વિસ્ફોટમાં બોમ્બર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલા સહિત એકથી વધુ એક્સ્પ્લોઝિવ્સ બનાવી શકાય તેવા કેમિકલ્સ ઓનલાઈન તેમજ દુકાનોએથી ખરીદ્યા હતા.

પોલીસ એમાદ અલ સ્વીલમીન રહેતો હોવાનું મનાય છે તે સેન્ટ્રલ લિવરપૂલના કેન્સિંગ્ટનની સટક્લિફ સ્ટ્રીટની નાકાબંધી કરીને પણ તપાસ આદરી હતી. બોમ્બ સ્ક્વોડના ઓફિસરોને કેટલાક શંકાસ્પદ પેકેજિસ મળ્યાં હોવાનું જણાવાયું છે. આતંકવાદી જે બંધ ટેક્સીના વિસ્ફોટમાં મોતને ભેટ્યો તેના પર ફોરેન્સિક પરીક્ષણો હજુ ચાલી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બર માનસિક બીમારીથી પીડાતો હતો. યુકેમાં એસાઈલમ મેળવવામાં નિષ્ફળ ગયા પછી તેનું મગજ છટકી ગયાનું મનાય છે. તેણે ૨૦૧૫માં હાથમાં ખુલ્લા ચાકુ સાથે લિવરપૂલ સિટી સેન્ટરમાં બ્રિજ પરથી કૂદી પોતાને ખતમ કરી નાખવાની ધમકી આપ્યા પછી તેની ધરપકડ પણ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter