લિવરપૂલઃ રવિવાર, ૩૧ ડિસેમ્બરની રાત્રે લિવરપૂલ વોટરફ્રન્ટ પર આવેલા એકો એરીના ખાતે સાત માળનાં મલ્ટિસ્ટોરી કાર પાર્કિંગમાં એક કારને લાગેલી આગ ભભૂકતાં ઓછામાં ઓછી ૧,૦૦૦ સેન્ટિગ્રેડ તાપમાનની જ્વાળાઓમાં ૧૪૦૦ વાહન વિસ્ફોટો સાથે સ્વાહા થઈ ગયાં હતા. વાહનચાલકો જીવ બચાવવા પોતાની કાર છોડી નાસી છૂટ્યા હતા. આગના કારણે ૪,૦૦૦ લોકોનું સલામતી અર્થે સ્થળાતંર કરાવાયું હતું. આસપાસના એપાર્ટમેન્ટ્સમાં અને હોટેલ્સમાં રહેતાં લોકો અને ટુરિસ્ટ્સે નવા વર્ષની પૂર્વ સંધ્યા કામચલાઉ આશ્રયસ્થાનોમાં ગાળવી પડી હતી. એકો એરીના ખાતે ચાર દિવસથી ચાલતા લિવરપૂલ ઈન્ટરનેશનલ હોર્સ શોને આખરી દિવસે રદ કરી દેવાયો હતો. આશરે ૮૦ અશ્વને બચાવી લેવાયા હતા.
મલ્ટિસ્ટોરી કાર પાર્કિંગમાં અસરગ્રસ્ત બે-ત્રણ માળ ૮૦૦થી ૧,૦૦૦ સેન્ટિગ્રેડ તાપમાનની આગની જ્વાળાઓમાં લપેટાતાં વાહનો રાખમાં ફેરવાઈ ગયાં હતાં. મર્સીસાઈડ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના ડાન સ્ટીફન્સે જણાવ્યું હતું કે ઈમારતમાં સ્પ્રીન્કલર સિસ્ટમ રખાઈ હોત તો આગને ઓલવવાની શક્યતા ઘણી સારી રહેત. ફાયર સર્વિસના સ્ટાફ દ્વારા આખી રાતની કામગીરી પછી બીજા દિવસે આગ ઓલવી દેવાઈ હતી અને કાર પાર્કિંગમાં બળી ગયેલી સંખ્યાબંધ કારના અવશેષો જોવા મળ્યાં હતાં. કોઈને ગંભીર ઈજા થયાના અહેવાલો નથી.
ધ એસોસિયેશન ઓફ બ્રિટિશ ઈન્સ્યુરર્સના પ્રવક્તાએ આગમાં નુકસાન પામેલી કારના ડ્રાઈવર્સને તેમની ઈન્સ્યુરન્સ કંપનીનો સંપર્ક સાધવા સલાહ આપી છે.
દરમિયાન, માન્ચેસ્ટરમાં અર્નડેલ શોપિંગ સેન્ટર પાસે આવેલી ૧૨ માળની એક ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારે નુકસાન થયું છે. આગના ધુમાડાથી એક વ્યક્તિને ગૂંગળામણથી ઈજા થઈ હતી. ૧૨ માળનાં બિલ્ડિંગમાં ૯મા માળે આગ શરૂ થઈ હતી, જે અન્ય બે માળ પર ઝડપથી ફેલાઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગની જ્વાળાઓ અન્ય માળ પર ફેલાતાં ઇમારતનો મોટાભાગનો હિસ્સો કાટમાળમાં ફેરવાયો હતો. આગ ઓલવવા ૧૨થી વધુ ફાયરફાઇટર કામે લગાડાયા હતા.


