લંડનઃ રિમેમ્બરન્સ સન્ડે, ૧૪ નવેમ્બરે લિવરપૂલ વિમેન્સ હોસ્પિટલની બહાર ટેક્સીમાં હાથબનાવટના બોમ્બ સાથે પોતાને ઉડાવી દેવાની ઘટનાને પોલીસે ત્રાસવાદી કૃત્ય ગણાવ્યું છે. આ ઘટનાના પગલે ત્રાસવાદના જોખમનું સ્તર ઊંચું લઈ જવાયું હોવાનું કહેતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દેશની જનતાને સાવધ રહેવા જણાવ્યું છે. જોખમનું સ્તર ઊંચું લઈ જવાનો અર્થ વધુ હુમલાની શક્યતા ગણાવાય છે. આ ઘટનામાં કેન્સિંગ્ટન વિસ્તારમાંથી ચાર પુરુષની ધરપકડ કરાઈ છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ત્રાસવાદના જોખમનું સ્તર શાથી તીવ્રની કક્ષાએ ઊંચે લઈ જવાયું છે તેનો ખુલાસો કર્યો હતો. જ્હોન્સને કહ્યું હતું કે ‘જોઈન્ટ ટેરરિઝમ એનાલિસીસ સેન્ટર (Jtac)ની સલાહ અનુસાર આપણે નોંધપાત્ર સ્તરથી તીવ્ર સ્તર પર જઈ રહ્યા છીએ. તે ગત થોડા સપ્તાહો અને મહિનાઓમાં આપણે જોયેલા સફળ કે નિષ્ફળ હુમલાઓની સંખ્યાનું પ્રતિબિંબ પાડે છે. લિવરપૂલમાં જે થયું તેને જોતા તમામ લોકોએ સાવધ રહેવાની જરૂર છે.’ તેમણે ઉમેર્યું હતું કે બ્રિટિશ પ્રજા ત્રાસવાદથી ડરી નહિ જાય.
ટેક્સીના ડ્રાઈવર ડેવિડ પેરીની સમયસૂચકતાથી અસંખ્ય લોકોનો જીવ બચી ગયો હતો. પ્રવાસી આતંકવાદીની શંકાસ્પદ હિલચાલ નિહાળી તેને ટેક્સીમાં જ લોક કરી દીધો હતો. ટેક્સી આગની જ્વાળાઓમાં ફેરવાઈ તેની ક્ષણો પહેલા જ ડ્રાઈવર તેમાંથી કૂદી ગયો હતો. તેની હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી અને હવે તેને ડિસ્ચાર્જ કરાયો છે.
ડેવિડ પેરીની બહાદુરી અને સમયસૂચકતાને વડા પ્રધાન જ્હોન્સન તેમજ લિવરપૂલના મેયર જોઆન એન્ડરસને બિરદાવી હતી. ડાઉનિંગ સ્ટ્રીટે હુમલા પાછળના ઈરાદાઓની અટકળો કરવાનું નકાર્યું છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે આ હુમલાની લિવરપૂલની સમગ્ર કોમ્યુનિટી પર ઘેરી અસર પડી છે અને હુમલાની તપાસ ચાલી રહી છે.


