લંડનઃ કલ્ચર મિનિસ્ટર લિસા નંદીએ નવા સિવિલ સોસાયટી પ્રોજેક્ટ માટે મુસ્લિમ ચેરિટીના વડાને નિયુક્ત કરતા વિવાદ સર્જાયો છે. નંદી દ્વારા આ પ્રોજેક્ટમાં ખ્રિસ્તી, યહૂદી કે હિન્દુ સહિતના અન્ય કોઇ ધર્મના વ્યક્તિને પ્રતિનિધિત્વ ન અપાતાં તેમની આકરી ટીકા થઇ રહી છે.
નંદીએ સિવિલ સોસાયટી કોવેનન્ટની સ્ટિયરિંગ કમિટીના સભ્ય તરીકે મુસ્લિમ ચેરિટીઝ ફોરમના ચીફ એક્ઝિક્યુટિવ ફાદી ઇટાનીની નિયુક્તિ કરી છે. આ કોવેનન્ટ સ્વયંસેવકો, ચેરિટી અને ધાર્મિક સંગઠનોની મદદથી સામાજિક એકતા વધારવાનો લક્ષ્યાંક ધરાવે છે.
નંદીએ આ કમિટીને સરકાર અને સિવિલ સોસાયટી સંગઠનો વચ્ચેના સંબંધોમાં નવા અધ્યાય સમાન ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, કમિટી આપણા સમુદાયો માટે કરોડરજ્જુ સમાન છે. આ સંગઠનો આપણા સમાજની આંખો, કાન અને અવાજ છે.
જોકે કમિટીના એડવાઇઝરી ગ્રુપમાં મુસ્લિમ ચેરિટીઝ ફોરમ જ એકમાત્ર ધર્મ આધારિત સંગઠન છે. બીજું સંગઠન ફેઇથ એક્શન છે જે તમામ ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2015માં હમાસ અને મુસ્લિમ બ્રધરહૂડ જેવા આતંકી સંગઠનો સાથેના સંબંધોના કારણે મુસ્લિમ ચેરિટીઝ ફોરમને અપાતી સરકારી સહાય બંધ કરી દેવાઇ હતી.