લંડનઃ સરકારી વિભાગોની કાર્યક્ષમતા વધારવા અને ખર્ચમાં કાપ મૂકવાની 10 ડાઉનિંગ સ્ટ્રીટની કવાયત અંતર્ગત લિસા નેન્ડીના કલ્ચર ડિપાર્ટમેન્ટ પર તાળા લાગે તેવી સંભાવના છે જેના પગલે નેન્ડીનું કેબિનેટમાં સ્થાન પણ જોખમાઇ શકે છે. આ પગલાના કારણે 33 વર્ષ જૂના આર્ટ્સ એન્ડ કલ્ચરલ મામલા માટેના એકમાત્ર સરકારી વિભાગનો અંત આવી શકે છે.
સરકારના આ પગલાના કારણે એક સમયે સર કેર સ્ટાર્મરની સામે પડનારા કલ્ચર સેક્રેટરી લિસા નેન્ડીને સરકારી પદ ગુમાવવું પડશે. હાલમાં સ્ટાર્મરના મંત્રીમંડળમાં કોઇ સ્થાન ખાલી નથી. 10 ડાઉનિંગ સ્ટ્રીટનું માનવું છે કે કલ્ચરલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને અન્ય વિભાગોમાં મોકલી શકાય છે. જોકે આ પગલાંથી સરકારી નોકરીઓમાં કાપની સંભાવના ઘણી ઓછી છે.
છેલ્લા 3 દાયકામાં ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચરના નામ અવારનવાર બદલાતાં રહ્યાં છે. 1992માં કન્ઝર્વેટિવ સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ હેરિટેજનો પ્રારંભ કરાયો હતો જેમાં આર્ટ્સ, બ્રોડકાસ્ટિગ, ફિલ્મ, સ્પોર્ટ્સ, આર્કિટેક્ચર, ઐતિહાસિક સ્થળો, રોયલ પાર્ક્સ અને ટુરિઝમ જેવા સેક્ટરોને આવરી લેવાયાં હતાં.