લંડનઃ પૂર્વ સબ પોસ્ટમાસ્ટર લી કેસલટને હોરાઇઝન આઇટી સ્કેન્ડલના કારણે થયેલા નુકસાન માટે પોસ્ટ ઓફિસ અને ફુજિત્સુ પર 4.487 મિલિયન પાઉન્ડનો દાવો માંડ્યો છે. હોરાઇઝન આઇટી સિસ્ટમમાં રહેલી ખામીઓને કારણે લી કેસલટનને પણ દોષી ઠેરવાયા હતા. પોસ્ટ ઓફિસ અને ફુજિત્સુ સામે દાવો માંડનારા તેઓ પ્રથમ પૂર્વ સબ પોસ્ટમાસ્ટર છે. પોસ્ટ ઓફિસે આ મુદ્દે કોઇપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
કેસલટને તેમના દાવા અંગે જણાવ્યું હતું કે, હું ઇચ્છું છું કે મારા દાવાની વિગતો જાહેર કરાય. નાણાનો સવાલ નથી પરંતુ મહત્વની બાબત એ છે અદાલત દ્વારા મને નિર્દોષ ઠેરવાયો છે. કેસલટનની પોસ્ટ ઓફિસ બ્રાન્ચમાં 25000 પાઉન્ડની ગેરરિતી થયાનો આરોપ મૂકાયો હતો અને 2007માં તેમને દોષી ઠેરવાયાં હતાં. કેસલટનને 3,21,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો હતો અને તે ચૂકવી ન શક્તાં તેમને નાદાર જાહેર કરાયા હતા.