લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૭-૧૮ના વર્ષમાં પાણીની લીક પાઈપો થકી પાણીના વેડફાટમાં ૧.૫ ટકાનો વધારો થયો છે. આના કારણે દરરોજ ૮૪૦ મિલિયન ગેલન પાણી વેડફાય છે, જે ૨૨ મિલિયન લોકોની તરસ અને જરુરિયાત પૂરી કરી શકે છે. મોટા ભાગે વિદેશી રોકાણકારો ધરાવતી જળકંપનીઓના બોસીસ અને એક્ઝિક્યુટિવ્ઝને તગડો પગાર ચૂકવાય છે તેની સામે ગ્રાહકોના બિલમાં સરેરાશ બે ટકાનો વધારો થયો છે.
ધ કન્ઝ્યુમર કાઉન્સિલ ફોર વોટર (CCW)ના રિપોર્ટ અનુસાર યુકેની સૌથી મોટી સપ્લાયર કંપની થેમ્સ તેમજ અન્ય બે સેવર્ન ટ્રેન્ટ અને યોર્કશાયર સહિત નવ કંપનીઓ લીકેજ ઘટાડવાનું લક્ષ્ય ચૂકી ગઈ છે. વોટર રેગ્યુલેટર Ofwat દ્વારા કંપનીઓને ૨૦૨૦થી ૨૦૨૫ સુધીના ગાળામાં લીકેજમાં ૧૫ ટકા ઘટાડો કરવા કહેવાયું છે.
તાજેતરમાં ગરમીના પ્રકોપ અને અને વરસાદના અભાવે કેટલીક જળકંપનીઓએ ગ્રાહકોને ગાર્ડનમાં પાણી નહિ છાંટવા અને સ્નાનના બદલે શાવરબાથ લેવા જણાવ્યું હતું. જોકે, કંપનીઓ આટલા મોટા પ્રમાણમાં ચોખ્ખાં પાણીનો વેડફાટ કરતી હોય ત્યારે ગ્રાહકો પાણીપુરવઠાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની વિનંતીઓ કાને ધરે નહિ તેવી ચેતવણી CCW દ્વારા અપાઈ છે.


