લંડનઃ આ સપ્તાહમાં સ્થાનિક ચૂંટણીઓ સમેટાયા બાદ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર ઇમિગ્રેશન પર ત્રાટકવાની રણનીતિ જાહેર કરશે. સરકાર લીગલ માઇગ્રેશનમાં ઘટાડો કરવાની યોજના તૈયાર કરી ચૂકી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે ગ્રેજ્યુએટ વિઝા પર યુકે આવતા અને યુકેમાં રહેવા માટે ઓછા પગારની નોકરીઓ સ્વીકારતા વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થશે.
2023માં નેટ માઇગ્રેશન 9,06,000ની રેકોર્ડ સપાટી પર પહોંચ્યું હતું. અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીએ લાદેલા નિયંત્રણો બાદ 2024માં આ સંખ્યા ઘટીને 7,28,000 પર આવી હતી. લીગલ માઇગ્રેશન સિસ્ટમમાં સુધારાના પગલાં આ સંખ્યામાં વધુ ઘટાડો કરે તેવી સંભાવના છે.
હોમ ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે, હોમ સેક્રેટરી નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરવા માગે છે. અમે ઇમિગ્રેશન વ્હાઇટ પેપરનો એક સાધન તરીકે ઉપયોગ કરીશું. સ્ટાર્મર સરકાર દ્વારા ઇમિગ્રેશન પરનું વ્હાઇટ પેપર 19 મે પહેલાં જારી કરાય તેવી સંભાવના છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા નેટ માઇગ્રેશનના તાજા આંકડા 22 મેના રોજ જાહેર કરાશે.
સરકાર લઘુત્તમ વેતન નહીં ચૂકવીને એમ્પ્લોયમેન્ટ કાયદાનું ઉલ્લંઘન કરતી કંપનીઓ અને બિઝનેસો પર વિદેશી કામદારોને નોકરીએ રાખવા પર પ્રતિબંધ લાદી શકે છે.
હોમ સેક્રેટરીનું માનવું છે કે ગ્રેજ્યુએટ વિઝા પર બ્રિટન આવતા વિદેશી વિદ્યાર્થીઓ દેશમાં લાંબો સમય રહી શકાય તે માટે હેલ્થ એન્ડ સોશિયલ કેર વિઝા મેળવી લેતાં હોય છે. સરકાર આ છીંડાને બંધ કરવા માગે છે. આ માટે સરકાર વિદેશી ગ્રેજ્યુએટ્સ કયા પ્રકારની નોકરી અને તે માટેની વેતન મર્યાદા નક્કી કરશે.