લીગલ ચેલેન્જ મળતા રોયલ મેઇલના કર્મચારીઓએ હડતાળ મોકૂફ રાખી

વેલ્શની જેમ પગાર વધારો અપાય તો હડતાળ પાછી ખેંચવા નર્સો સહમત

Wednesday 08th February 2023 06:28 EST
 
 

લંડન

રોયલ મેઇલ દ્વારા લીગલ ચેલેન્જ અપાયા બાદ રોયલ મેઇલના કર્મચારીઓએ આગામી હડતાળો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રોયલ મેઇલના 1,15,000 કર્મચારીઓએ 16 ફેબ્રુઆરીએ 24 કલાક માટે હડતાળ પર જવાનું એલાન કર્યું હતું. યુનિયનોએ જણાવ્યું હતું કે, અમે લીગલ ચેલેન્જને પડકાર આપવાના નથી. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, હડતાળો પાછી ખેંચાવાના કારણે ગ્રાહકોને મોટી રાહત મળશે.

બીજીતરફ એનએચએસમાં હડતાળો અટકાવવા યુકેના સૌથી મોટા નર્સિંગ યુનિયનના વડાએ વડાપ્રધાન રિશી સુનાકને પગાર વધારા મુદ્દે સમાધાનની અપીલ કરી છે. વડાપ્રધાનને લખેલા પત્રમાં રોયલ કોલેજ ઓફ નર્સિંગના જનરલ સેક્રેટરી પેટ ક્યુલેને જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન સુનાકને સીધી અપીલ કરું છું કે તેઓ વેલ્શ અને સ્કોટલેન્ડની સરકારોની જેમ નર્સોને પગાર વધારો આપે. જો સરકાર આ માગ સ્વીકારી લેશે તો નર્સોની હડતાળ સમેટી લેવાશે. જો સરકાર 3 ટકાનો વધારો મંજૂર કરી લેશે તો અમે હડતાળ પાછી ખેંચી લઇશું. સ્કોટલેન્ડની સરકાર ત્યાં હડતાળ ન હોવા છતાં વધારાનું ભંડોળ આપવા ચર્ચા કરી રહી છે. જ્યારે તમારી સરકાર મંત્રણા શરૂ કરવા પણ તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર 7 ટકાના પગારવધારા માટે મંત્રણા શરૂ કરશે તો નર્સો હડતાળ પાછી ખેંચી લેશે.

જુનિયર ડોક્ટરો પણ હડતાળની તૈયારીમાં

ઇંગ્લેન્ડના જુનિયર ડોક્ટરો પણ આગામી મહિનાની સામુહિક હડતાળમાં જોડાશે. હડતાળ દરમિયાન જુનિયર ડોક્ટરો પગાર વધારા અને સારી સુવિધાઓ અંગે માગ કરશે. જો 50 ટકાથી વધુ જુનિયર ડોક્ટરો હડતાળ માટે સહમત થશે તો માર્ચ મહિનામાં 45000 જુનિયર ડોક્ટરો 72 કલાકની હડતાળમાં જોડાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter