લંડનઃ ગેરકાયદેસર માઇગ્રેશન પર લગામ કસવા આકરાં પગલાંની જાહેરાત બાદ હવે સ્ટાર્મર સરકાર લીગલ માઇગ્રેશન પર નિયંત્રણ લાદવાની તૈયારી કરી રહી છે. હોમ સેક્રેટરી શબાના માહમૂદે ગુરુવારે જાહેરાત કરી હતી કે યુકેમાં કેટલાક લીગલ માઇગ્રન્ટ્સને પરમેનેન્ટ રેસિડેન્સી (આઇએલઆર) માટે 20 વર્ષ સુધી રાહ જોવી પડે તેવી યોજના સરકાર તૈયાર કરી રહી છે.
શબાના માહમૂદે સંસદમાં જણાવ્યું હતું કે, યુકેમાં કાયમી વસવાટ અધિકાર નથી પરંતુ વિશેષાધિકાર છે અને લીગલ માઇગ્રન્ટે પણ તે જાતે પૂરવાર કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે શબાના માહમૂદ પણ ઇમિગ્રન્ટ્સની જ દીકરી છે.
સ્ટાર્મર સરકાર યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી માટેનો ક્વોલિફાઇંગ પીરિયડ પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની યોજના તૈયાર કરી ચૂકી છે. શબાના માહમૂદે ગુરુવારે વધારાના પગલાંની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જે માઇગ્રન્ટ્સ કાયદેસર રીતે યુકેમાં આવ્યા હશે અને જેમણે 12 મહિના કરતાં વધુ સમય સુધી બેનિફિટ્સ પ્રાપ્ત કર્યાં હશે તેમને પરમેનેન્ટ રેસિડેન્સી માટે 20 વર્ષ રાહ જોવી પડશે. ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશનારા માઇગ્રન્ટ્સ માટે આ સમયગાળો 30 વર્ષનો થઇ શકે છે. બ્રેક્ઝિટ બાદના સમયગાળામાં હેલ્થ અને સોશિયલ કેર વિઝા પર આવેલા લો-સ્કીલ્ડ વર્કર્સને 15 વર્ષ રાહ જોવી પડી શકે છે.
હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ડોક્ટર, નર્સ અને અન્ય પબ્લિક સર્વિસ સાથે સંકળાયેલા ઇમિગ્રન્ટ્સ માટે આ સમયગાળો પાંચ વર્ષનો જ રહેશે અને ઉચ્ચ આવક ધરાવતા ઇમિગ્રન્ટ્સને 3 વર્ષમાં પરમેનેન્ટ રેસિડેન્સી આપી દેવાય તેવી સંભાવના છે.


