લીગલ માઇગ્રેશન પરના નવા નિયંત્રણો સામે ભારતીય સમુદાયમાં ઉગ્ર રોષ

ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો હવે અન્ય વિકલ્પો પર નજર દોડાવશે

Tuesday 12th December 2023 12:20 EST
 
 

લંડનઃ બ્રિટનમાં લીગલ માઇગ્રેશન પરના નવા નિયંત્રણોના કારણે ભારતીય વિદ્યાર્થીઓ, પ્રોફેશનલો અને બિઝનેસ એસોસિએશનોમાં રોષની લાગણી જન્મી છે. આ તમામે ચેતવણી આપી છે કે યુકેની ઇકોનોમીમાં મોટું યોગદાન આપતા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો હવે અન્ય વિકલ્પો તરફ નજર દોડાવશે. આ નિયંત્રણો ન કેવળ યુકેને અસર કરશે પરંતુ એટલી જ અસર ભારતીયોને પણ કરશે.

ફિક્કીના સેક્રેટરી જનરલ  શૈલેષ પાઠકે જણાવ્યું હતું કે, આખું વિશ્વ ઉચ્ચ કુશળતા ધરાવતા ભારતીયોને ઇચ્છી રહ્યું છે ત્યારે  આ પ્રકારના નિયંત્રણો લાદવાથી ભારતીય પ્રોફેશનલો અન્ય દેશોમાં ચાલ્યા જશે. યુકેમાં બિઝનેસ કરતી ભારતીય કંપનીઓ પણ તેનાથી અસરગ્રસ્ત થશે કારણ કે તેમાં બ્રિટિશ અને ભારતીય એમ બંને નોકરી કરે છે પરંતુ હવે ભારતીયો આ કંપનીઓમાં કામ કરવાનું પસંદ નહીં કરે.

ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રમુખ અમિત તિવારીએ જણાવ્યું હતું કે, અમે યુકેના વિવિધ સત્તાવાળા સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી રહ્યાં છીએ. ઉચ્ચ શિક્ષણ માટે ભારતીયો પાસે સંખ્યાબંધ વિકલ્પો છે. ભારતીય વિદ્યાર્થીઓ યુકેના અર્થતંત્રને વર્ષે 25 બિલિયન પાઉન્ડનો લાભ કરાવે છે. યુકેની યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓ પર જ નભી રહી છે.

નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમ્ની યુનિયનના સનમ અરોરાએ જણાવ્યું હતું કે, આ પગલું યુકે માટે આર્થિક હોનારત સમાન પૂરવાર થશે. ભારતીય વિદ્યાર્થીઓએ પણ તેમાં સહન કરવાનું આવશે. યુકેમાં સ્કીલ્ડ લોકોની અછત પડી રહી છે ત્યારે જ આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનના પ્રમુખ રમેશ મહેતાએ જણાવ્યું હતું કે, તમે કોઇને યુકેમાં કામ કરવા બોલાવો અને તેના પરિવારને યુકેમાં રહેવાની પરવાનગી ન આપો તે ન્યાયી બાબત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter