લંડનઃ સરકાર સંપત્તિઓ માટેની લીઝહોલ્ડ સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ માટે કાયદો તૈયાર કરી રહી છે જે અંતર્ગત ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તમામ નવા મકાનોને ફ્રીહોલ્ડ પ્રોપર્ટી તરીકે વેચાશે. સરકાર સામંતવાદી લીઝહોલ્ડ સિસ્ટમને તબક્કાવાર રીતે દૂર કરવા માગે છે. આગામી મહિન સરકાર તેનો નવો સંસદીય એજન્ડા નક્કી કરશે તેમાં ખરીદદારોને મકાનની સાચી માલિકી આપવાના પ્રસ્તાવનો સમાવેશ કરાશે. કિંગ ચાર્લ્સ તેમના ભાષણમાં તેનો ઉલ્લેખ કરશે.
નવા કાયદા અંતર્ગત નવા તૈયાર થનારા તમામ નવા મકાનોને ફ્રીહોલ્ડ તરીકે વેચવામાં આવશે જોકે, નવા ફ્લેટને લીઝહોલ્ડ પર રાખી શકાશે. સરકાર લીઝહોલ્ડ પરની હાલની તમામ સંપત્તિઓ માટે તળિયાના ભાડાં પર મર્યાદા લાદવાની યોજના પણ તૈયાર કરી રહી છે. સરકાર સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ લીઝ 90 વર્ષથી વધારીને 990 વર્ષ કરવાની વિચારણા કરી રહી છે. આ માટે સરકાર લીઝહોલ્ડ બિલ લાવવા જઇ રહી છે.


