લીટલ ચેમ્પિયન બોધાના શિવાનંદન

46મા ચેસ ઓલિમ્પિયાડમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતા બોધાના શિવાનંદન સૌથી નાની વયની વુમન ગ્રાન્ડ માસ્ટર બની

Tuesday 29th September 2026 11:04 EDT
 
 

લંડનઃ ઉત્તર-પશ્ચિમ લંડનના હેરોની રહેવાસી 11 વર્ષીય વિદ્યાર્થીની બોધાના શિવાનંદને ઇતિહાસ રચીને સૌથી નાની વયે વુમન ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો છે. ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે આયોજિત 46મા ચેસ ઓલિમ્પિયાડમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતા બોધાના શિવાનંદને તેનો ત્રીજો અને અંતિમ ક્વોલિફાઇંગ નોર્મ પ્રાપ્ત કર્યો હતો. ઇંગ્લેન્ડની ટોચની બોર્ડ પ્લેયર તરીકે રમીને તેણે વિશ્વભરના અગ્રણી ખેલાડીઓ સામે 11 મેચમાં કુલ 8 પોઇન્ટ મેળવ્યા હતા.

ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશને પુષ્ટિ કરી છે કે બોધાનાનું પ્રદર્શન રેટિંગ તેને વુમન ગ્રાન્ડમાસ્ટર ખિતાબ માટે ક્વોલિફાય કરનાર ઇતિહાસની સૌથી નાની વયની વ્યક્તિ બનાવે છે. અગાઉ આ રેકોર્ડ કેટેરીના લાગ્નોના નામે હતો, જેણે વર્ષ 2002માં 12 વર્ષની ઉંમરે વુમન ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ જીત્યો હતો.

બોધાનાએ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ઘરેથી જૂનું ચેસ બોર્ડ મળી આવ્યા બાદ રમત શીખવાનું શરૂ કર્યું હતું. તેણે યુટ્યુબ ટ્યુટોરિયલ્સ જોઈને રમતની ટેકનિક શીખી હતી.

જુલાઈ 2021માં હેરો ચેસ ક્લબ ખાતે તેની પ્રથમ ટુર્નામેન્ટ રમ્યા બાદ બોધાનાએ 2022ની યુરોપિયન સ્કૂલ્સ ચેમ્પિયનશિપમાં સાત વર્ષની વયે તેની તમામ 24 મેચ જીતી લીધી હતી. વર્ષ 2026માં તે બ્રિટિશ વુમન્સ ચેમ્પિયનશિપ જીતનારી સૌથી નાની વયની મહિલા બની હતી.

સમરકંદમાંથી સફળતાપૂર્વક પરત ફરતા બોધાનાએ બીજો ઇન્ટરનેશનલ માસ્ટર નોર્મ પણ હાંસલ કર્યો છે, જે તેને ઝડપથી પૂર્ણ ગ્રાન્ડમાસ્ટર બનવાના લક્ષ્ય તરફ એક ડગલું વધુ નજીક લઈ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter