લંડનઃ લીડ્સ સિટી કાઉન્સિલ સાથે 7,10,000 પાઉન્ડની છેતરપિંડી કરવા માટે 47 વર્ષીય આફતાબ બેગને દોષી ઠેરવાયો છે. આફતાબે પોતાને બેકરી ચેઇન ગ્રેગ્સનો પ્રોપર્ટી મેનેજર ગણાવીને સિટી કાઉન્સિલને ચૂનો લગાવ્યો હતો. મે 2020માં કોરોના મહામારી દરમિયાન કંપનીની શાખા એવી 32 પ્રોપર્ટીની સામે આફતાબ બેગે લીડ્સ સિટી કાઉન્સિલ પાસે સ્મોલ બિઝનેસ ગ્રાન્ટનો દાવો કર્યો હતો.
આફતાફ બેગ ગ્રેગ્સ સાથે કોઇ જોડાણ ધરાવતો નહોતો કે કંપનીનો કર્મચારી પણ નહોતો. તેનું ફ્રોડ સામે આવ્યા બાદ કાઉન્સિલ દ્વારા તેની પાસેથી 90,000 પાઉન્ડ વસૂલી શકાયા હતા. ગ્લાસગોના બેગને લીડ્સ ક્રાઉન કોર્ટ દ્વારા ગયા સપ્તાહમાં દોષી ઠેરવાયો હતો.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના મુશ્કેલ સંજોગોનો લાભ બેગે ઉઠાવ્યો હતો અને કાઉન્સિલ સાથે છેતરપિંડી આચરી હતી.