લંડનઃ કોરોના મહામારી દરમિયાન લીડ્સ સિટી કાઉન્સિલને 7,10,000 પાઉન્ડનો ચૂનો લગાવનાર આફતાબ બેગને 4 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. 2020માં આફતાબે સિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે, તે ફાસ્ટફૂડ ચેઇનની 32 બ્રાન્ચ માટે બિઝનેસ રેટ નંબર શોધવા ગ્રેગ્સની હેડઓફિસમાં કામ કરે છે. તેણે રેટમાં 7,10,000 પાઉન્ડની રાહત માટે આ વિગતોનો ઉપયોગ કર્યો હતો. આ નાણા તેના કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાયાં હતાં. લીડ્સ સિટી કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્રોડ આચરનાર અપરાધીને જેલ ભેગો કરાયો તેનાથી અમે ખુશ છીએ. કોરોના મહામારીમાં સ્થાનિક બિઝનેસોને મદદ કરવા કાઉન્સિલ દ્વારા આર્થિક સહાય કરાતી હતી.