લીડ્સમાં તોફાનીઓનો ઉત્પાત, એક બસને આગચંપી, પોલીસ વાહનોમાં તોડફોડ

એક પરિવારના ચાર સંતાનનો સોશિયલ સર્વિસે કબજો લેતાં તોફાનો ફાટી નીકળ્યાં, હોમ સેક્રેટરીએ કહ્યું આ પ્રકારના તોફાનોને આપણા સમાજમાં કોઇ સ્થાન નથી

Tuesday 23rd July 2024 12:25 EDT
 
 

લંડનઃ યોર્કશાયરના લીડ્સ શહેરમાં ગુરુવારે સાંજે ફાટી નીકળેલા રમખાણોમાં તોફાની ટોળાએ પોલીસ પર હુમલા કરી એક બસને આગ ચાંપી દીધી હતી અને પોલીસના કેટલાંક વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. લીડ્સ સિટી સેન્ટરના હેરહીલ્સમાં સોશિયલ સર્વિસના કર્મચારીઓ દ્વારા એક પરિવારના ચાર બાળકોને પોતાના કબજામાં લેવાયાં બાદ તેના વિરોધમાં ગુરુવારે સાંજે પાંચ કલાકે આ વિસ્તારમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. હોમ સેક્રેટરી યવિટ્ટ કૂપરે સમગ્ર ઘટનાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, આ પ્રકારના તોફાનને આપણા સમાજમાં કોઇ સ્થાન નથી.

થોડા દિવસ પહેલાં આ પરિવારના એક સંતાનને તેના જ સિબલિંગ દ્વારા માથામાં ઇજા થઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયું હતું પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આ કેસની જાણ સોશિયલ સર્વિસ વિભાગને કરતાં વિભાગે પરિવારના સંતાનોનો કબજો લઇ લીધો હતો. હોસ્પિટલે આ કેસ સોશિયલ સર્વિસને રીફર કરતાં પરિવારને આઘાત લાગ્યો હતો. સોશિયલ સર્વિસે પણ કોઇપણ કારણ આપ્યા વિના બાળકોને પોતાની કસ્ટડીમાં લીધાં હતાં.

બાળકોનો કબજો લેવાયા બાદ આ વિસ્તારમાં ટોળાં એકઠાં થવા લાગ્યાં હતાં. ટોળાએ આગજની અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે અમે એજન્સી વર્કરો અને બાળકોને સલામત સ્થળે ખસેડી દીધાં હતાં. યોર્કશાયર પોલીસે આ ઘટનાની સંપુર્ણ તપાસના આદેશ આપતાં તણાવ્યું હતું કે, તોફાનીઓ સામે કાયદો કડક હાથે કામ લેશે.

વેસ્ટ યોર્કશાયરના મેયરે જણાવ્યું હતું કે, આ તોફાનોમાં કોઇને ગંભીર ઇજા તો થઇ નથી પરંતુ જેઓ સમાજમાં તણાવ ફેલાવવના પ્રયાસ કરે છે તેઓ બે વાર વિચાર કરે.

નજરે જોનાર એક રહેવાસીએ જણાવ્યું હતું કે, તોફાનીઓ પોલીની કાર પર હુમલા કરી રહ્યાં હતાં અને જે હાથમાં આવ્યું તેના દ્વારા પોલીસની કારમાં તોડફોડ કરી હતી. લીડ્સમાં ફર્સ્ટ બસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી બે બસો તોફાનીઓ વચ્ચે ફસાઇ હતી જો કે તેના ચાલકો કે પ્રવાસીઓને કોઇ ઇજા થઇ નથી. અમારી એક બસને આગ ચાંપી દેવામાં આવી હતી.  

બાંગ્લાદેશ ઇફેક્ટઃ ઇસ્ટ લંડનના વ્હાઇટ ચેપલ વિસ્તારમાં જૂથ અથડામણ

લંડનઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલા અનામત વિરોધી આંદોલનના પડઘા બાંગ્લાદેશીઓની મોટી વસતી ધરાવતા ઇસ્ટ લંડનમાં પડ્યા હતા. બાંગ્લાદેશની એક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ એક ઇમારત પર એક જૂથે હુમલો કરતાં અહીં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. બંને જૂથ વચ્ચેના પથ્થરમારામાં બે પોલીસ અધિકારીને ઇજા પહોંચી હતી. તોફાનીઓએ સંખ્યાબંધ કારને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને તોફાનો સાથે આ ઘટનાને સંબંધ હોય તેમ મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter