લંડનઃ 26 મેના રોજ લીવરપુલમાં વિક્ટરી પરેડ દરમિયાન ભીડ પર કાર ચડાવી દેનાર 56 વર્ષીય પોલ ડોયલેને લીવરપુલ ક્રાઉન કોર્ટ દ્વારા 21 વર્ષ અને 6 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. આ દુર્ઘટનામાં 134 લોકોને ઇજા પહોંચી હતી.
પોલ તેના મિત્રોને લેવા સિટી સેન્ટર જઇ રહ્યો હતો ત્યારે તેણે મગજનો પારો ગુમાવી દીધો હતો અને તેની ફોર્ડ ગેલેક્સી કાર વિક્ટરી પરેડમાં ભાગ લેતા લોકો પર ચડાવી દીધી હતી. ડોયલે પર 31 આરોપ ઘડાયા હતા પરંતુ શરૂઆતમાં તેણે તે માનવાનો ઇનકાર કરી દીધો હતો.
ત્યારબાદ આ પૂર્વ રોયલ મરીને આંસુ સાથે પોતે ભયજનક ડ્રાઇવિંગ માટે દોષી હોવાની કબૂલાત કરી લીધી હતી.
સજાની સુનાવણી કરતાં જજ એન્ડ્રુ મેનારી કેસીએ જણાવ્યું હતું કે, આરોપીએ અત્યંત ગુસ્સામાં આ કૃત્ય આચર્યું હતું. યોગ્ય સમજણ ધરાવતો વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે તે માન્યામાં આવતું નથી.


