લંડનઃ લીવરપુલમાં ઓરીનો વાવડ પ્રસરતાં ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે. ગયા સપ્તાહમાં ઓરીથી ચેપગ્રસ્ત એક બાળકનું લીવરપુલની આલ્ડર હે ચિલ્ડ્રન હોસ્પિટલમાં મોત થયું હતું. એમએમઆર વેક્સિન લેવાના દરમાં ઘટાડો આ માટે જવાબદાર હોવાની ચેતવણી આરોગ્ય નિષ્ણાતોએ આપી છે. હોસ્પિટલમાં ઘણા બાળકો હાલ ઓરીની સારવાર લઇ રહ્યાં છે. મૃતક બાળકની ઓળખ જાહેર કરાઇ નથી.
બ્રિટનમાં છેલ્લા એક દાયકામાં ઓરીના કારણે આ બીજું મોત નોંધાયું છે. માતાપિતા તેમના બાળકોને એમએમઆર વેક્સિન અપાવતા ન હોવાના કારણે બાળકો આ વાઇરસનો ભોગ બની રહ્યાં છે. નિષ્ણાતો કહે છે કે વેક્સિનના કારણે બાળકને રોગ સામે 97 ટકા સંરક્ષણ પ્રાપ્ત થાય છે. લીવરપુલમાં એમએમઆર વેક્સિન અપાવવાનો દર ફક્ત 73 ટકા છે. સમગ્ર ઇંગ્લેન્ડમાં આ દર 84 ટકા છે.