લંડનઃ લૂઇશામ કાઉન્સિલ હોમ ઓફિસના ઇમિગ્રેશન દરોડામાં સહકારનો ઇનકાર કરનારી યુકેની પ્રથમ કાઉન્સિલ બની શકે છે. ગ્રીન પાર્ટીના નેતૃત્વ હેઠળની આ કાઉન્સિલમાં એક પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે, જે અંતર્ગત ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ સાથે સંબંધિત કામગીરીની પદ્ધતિસર સમીક્ષા કરવામાં આવશે અને જ્યાં સુધી કાનૂની રીતે શક્ય હોય ત્યાં સુધી આવા દરોડામાં સહાય કરવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવશે.
મેયર લિયામ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ સમુદાયોને લેબર પાર્ટીના માઇગ્રેશન વિરોધી વલણથી બચાવવાના કાઉન્સિલના પ્રયાસોનો ભાગ છે. અમે અમારા સમુદાયના દરેક નાગરિકનું રક્ષણ કરીશું, જેમાં વિદેશી કામદારો પણ સામેલ છે. લૂઇશામ લંડનનું પ્રથમ બરો ઓફ સેન્ચ્યુરી હોવાનો ગર્વ ધરાવે છે. અમે તેને માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક અમલમાં લાવવા માંગીએ છીએ.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઇમિગ્રેશન ગુનાઓ સામે લડવા માટે સ્થાનિક સત્તામંડળો સાથે માહિતીની આપ-લે કરવી અત્યંત જરૂરી છે. સત્તામાં આવ્યા બાદ અમે ઇમિગ્રેશન અમલીકરણ કાર્યવાહીને ઐતિહાસિક સ્તરે પહોંચાડી છે, જેના પરિણામે ગેરકાયદેસર કામદારોની ધરપકડમાં 83 ટકા અને દરોડામાં 77 ટકાનો વધારો નોંધાયો છે.


