લંડનઃ જગવિખ્યાત જાસૂસ પાત્ર ‘જેમ્સ બોન્ડ’ના એટલા જ પ્રખ્યાત સ્કોટિશ અભિનેતા અને ઓસ્કારવિજેતા હોલીવૂડ સ્ટાર સર શોન કોનેરીએ લાંબી બીમારી પછી ૯૦ વર્ષની વયે ૩૧ ઓક્ટોબરની રાત્રે બહામાસ ખાતે નિદ્રામાં જ જીવનના રંગમંચમાંથી આખરી એક્ઝિટ લીધી હતી. વિશ્વના ગ્રેટેસ્ટ સ્કોટ તરીકે ગણાવાયેલા શોન કોનેરીએ પોતાના સશક્ત અભિનયથી ૦૦૭ જેમ્સ બોન્ડના પાત્રને અમર બનાવી દીધુ હતું અને અત્યાર સુધી આ સીરીઝમાં બોન્ડ તરીકે આવેલા અનેક અભિનેતાઓમાં તેઓ શિરમોર બની રહ્યા હતા. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે વર્ષ ૨૦૦૦માં શોન કોનેરીને ’સર’ ઈલકાબથી સન્માનિત કર્યા હતા. તેઓ પોતાના પરિવારમાં પત્ની મિશેલીન અને બે પુત્ર જેસન અને સ્ટીફનને છોડી ગયા છે. હોલીવૂડ સ્ટાર્સ સહિતના અગ્રણીઓએ સર શોનને ભાવભીની અંજલીઓ અર્પણ કરી હતી. વૈશ્વિક લેજન્ડ સર શોન કોનેરી પ્રખર રાષ્ટ્રવાદી હતા અને ૨૦૧૪ના રેફરન્ડમ અગાઉ જ તેમણે સ્કોટિશ આઝાદીના પડઘમ વગાડ્યા હતા.
કોનેરીનો જન્મ ૧૯૩૦ની ૨૫મી ઓગસ્ટે સ્કોટલેન્ડના જાણીતા નગર એડિનબરાના ફાઉન્ટેનબ્રિજમાં થયો હતો. તેમનો પરિવાર અહીં વળી આર્યલેન્ડથી સ્થળાંતરિત થયો હતો. તેમનું જન્મનું નામ થોમસ શોન કોનેરી હતું. સ્કોટલેન્ડ બ્રિટનનો ભાગ છે, પણ સંસ્કૃતિ અલગ પડતી હોવાથી ત્યાંની પ્રજા પોતાને સ્કોટિશ કહેવડાવવાનું પસંદ કરે છે. બાળપણમાં કોનેરીએ સ્કોટલેન્ડમાં પહેલી નોકરી દૂધવાળા તરીકે કરી અને પછી, ઈંટોના ભઠ્ઠામાં કામ કર્યુ, ટ્રક ડ્રાઈવિંગ કર્યું અને શબપેટીઓને પોલિશ પણ કરી હતી. તેમણે ૧૩ વર્ષની વયે તો સ્કૂલ છોડી દીધી હતી. સારા ફૂટબોલર હોવાથી માન્ચેસ્ટર યુનાઈટેડમાં રમીને થોડું ઘણી કમાણી પણ કરી લેતા હતા. મજબૂત શારીરિક બાંધો અને છ ફીટથી વધુ ઊંચાઈ ધરાવતા કોનેરીએ ૧૬મા વર્ષે બ્રિટિશ રોયલ નેવીમાં ૩ વર્ષ સુધી ફરજ બજાવી હતી.
ફિલ્મોમાં આવ્યા પહેલા જ ખડતલ શરીરના લીધે તેમને બોડીબિલ્ડિંગના મોડેલિંગમાં થોડું ઘણું કામ મળ્યું. અભિનયમાં રસ પડવાથી તેઓ ૧૯૫૩માં એડિનબરાથી લંડન શિફ્ટ થયા અને ભવ્ય નાટય-સંસ્કૃતિમાં પ્રવેશ્યા હતા. જન્મજાત એક્ટર હોવાથી શેક્સપિયર અને બર્નાડ શોના નાટકો કરી થોડા જ સમયમાં લોકપ્રિયતા પણ હાંસલ કરી હતી. તેમણે પ્રથમ ૧૯૫૪માં આવેલી ‘લાઈલક્સ ઈન ધ સ્પ્રિંગ’માં નાની ભૂમિકા ભજવી હતી.
જેમ્સ બોન્ડ લેજન્ડનો આરંભ
આ દરમિયાન, પ્રોડયુસર આલ્બર્ટ બ્રોકલી અને હેરી સેલ્ત્ઝમાને લોકપ્રિય લેખક ઈયાન ફ્લેમિંગની વાર્તા ‘ડો.નો’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને તેના માટે દમદાર હીરો શોધવા ‘ફાઈન્ડ જેમ્સ બોન્ડ સ્પર્ધા’ રાખી ત્યારે હજારો અરજદારમાંથી ૬ નામ ફાઈનલ થયા જેમાં, શોન કોનેરી એક હતા. આ પછી તો જેમ્સ બોન્ડ અને શોન કોનેરી પર્યાય બની ગયા. એક પછી એક બોન્ડ ફિલ્મોએ સફળતાનો ડંકો વગાડી દીધો હતો.
સર શોનની પાંચ દાયકા સુધીની ફિલ્મ કારકિર્દીમાં તેમણે ૧૯૬૨થી ૧૯૭૧ના ગાળામાં કાલ્પનિક બ્રિટિશ જાસૂસ ૦૦૭ જેમ્સ બોન્ડની ભૂમિકા સાત વખત ભજવી હતી અને વારંવારના પોલ્સ દરમિયાન શ્રેષ્ઠ બોન્ડ અભિનેતા તરીકે બહુમાન મેળવ્યું હતું. રસપ્રદ હકીકત એ હતી કે બોન્ડના સર્જક ઈયાન ફ્લેમિંગને શોન કોનેરી બોન્ડ બને તે યોગ્ય લાગતું ન હતું પરંતુ, તેમણે બોન્ડના પાત્રને એટલી સહજતાથી આત્મસાત કરી લીધું કે શોન સિવાય કોઈ બોન્ડની ભૂમિકાને ન્યાય આપી શકે જ નહિ તેમ જણાયું હતું. ફ્લેમિંગે બોન્ડના પાત્રના ઈતિહાસમાં સ્કોટિશ મૂળનું પણ વર્ણન કર્યું હતું. એકની એક ભૂમિકાથી કંટાળેલા શોન કોનેરીએ ‘યુ ઓન્લી ટ્વાઈસ’ ફિલ્મથી બોન્ડની ભૂમિકા ભજવવાનું બંધ કર્યું હતું પરંતુ, જ્યોર્જ લેઝેન્બીની નિષ્ફળતાના પગલે તેમને વધુ એક ફિલ્મ ‘નેવર સે નેવર અગેઈન’ કરવા સમજાવી લેવાયા હતા.
આદરાંજલિનો ધોધ વહ્યો
જેમ્સ બોન્ડના સત્તાવાર ટ્વીટર પેજ પર વર્તમાન ૦૦૭ ડેનિયલ ક્રેગે અંજલિ આપતા જણાવ્યું હતું કે ‘સર કોનેરી હંમેશા બોન્ડ તેમજ અન્ય ભૂમિકાઓ માટે યાદ કરાતા રહેશે. તેમણે અલગ યુગ અને સ્ટાઈલનું સર્જન કર્યું હતું. આગામી વર્ષોમાં પણ અભિનેતાઓ અને ફિલ્મનિર્માતાઓ પર તેમનો પ્રભાવ જળવાઈ રહેશે.’ બોન્ડ ફિલ્મોના નિર્માતાઓ માઈકલ જી. વિલ્સન અને બાર્બરા બ્રોકોલી, પ્રથમ બોન્ડ અભિનેત્રી ઉર્સુલા એન્ડ્રેસ, આર્નોલ્ડ સ્વાર્ઝનેગર, વોલ્વરાઈન અભિનેતા હ્યુજ જેકમાન, અભિનેત્રી સલમા હાયેક, સ્ટાર ટ્રેક એક્ટર જ્યોર્જ ટાકેઈ, સામ નેઈલ, સંગીતકાર એલ્ટન જ્હોન, ડાયરેક્ટર એડગર રાઈટ, સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર એલેક્સ સાલમોન્ડ, વર્તમાન ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન પણ સર શોનને અંજલિ આપવામાં જોડાયાં હતાં.
‘સેક્સીએસ્ટ મેન ઓફ ધ સેન્ચુરી’
શોન કોનેરીને દાયકાઓ લાંબી કારકિર્દીમાં અનેક એવોર્ડ મળ્યા છે, પરંતુ સૌથી નોંધપાત્ર, ‘ધ અનટચેબલ્સ’ ફિલ્મ માટે સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કાર છે. આ ઉપરાંત, બે વખત બાફ્ટા, ત્રણ વખત ગોલ્ડન ગ્લોબ, સહિત ફિલ્મ ક્ષેત્રના અનેક એવોર્ડ મળ્યા હતા. તો વળી જાહેર જીવનની કામગીરી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતની સંસ્થા અને અનેક દેશોએ તેમનું સન્માન કર્યું હતું. તેમને ગ્રેટેસ્ટ લિવિંગ સ્કોટનું સન્માન પણ વારંવાર મળ્યું હતું. યુએસ મેગેઝિન પીપલ દ્વારા પોલ્સમાં તેમને ૧૯૮૯માં ‘સેક્સીએસ્ટ મેન એલાઈવ’ અને ૧૯૯૯માં ‘સેક્સીએસ્ટ મેન ઓફ ધ સેન્ચુરી’ જાહેર કરવામાં આવ્યા હતા. અમેરિકન ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેમને ૨૦૦૬માં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. આ સમયે તેમણે અભિનયક્ષેત્રમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી હતી. એડિનબરા નેપિયર યુનિવર્સિટીએ તેમને ૨૦૦૯માં ઓનરરી ડોક્ટરેટથી સન્માનિત કર્યા હતા.
જેમ્સ બોન્ડ સીરિઝની સાત ફિલ્મઃ
• ડૉ.નો (૧૯૬૨) • ફ્રોમ રશિયા વિથ લવ (૧૯૬૩) • ગોલ્ડફિંગર (૧૯૬૩) • થન્ડરબોલ (૧૯૬૫) • યુ ઓન્લી લાઈવ ટ્વાઈસ (૧૯૬૭) • ડાયમન્ડ્સ આર ફોરેવર (૧૯૭૧) • નેવર સે નેવર અગેઈન (૧૯૮૩)
અન્ય નોંધપાત્ર ફિલ્મોઃ
• ધ લોંગેસ્ટ ડે (૧૯૬૨) • મરિન (૧૯૬૪) • ધ હિલ (૧૯૬૫) • ધ ઓફેન્સ (૧૯૭૩) • મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ (૧૯૭૪) • ધ મેન હૂ વ્હુડ બી કિંગ (૧૯૭૫) • ધ વિન્ડ એન્ડ ધ લાયન (૧૯૭૫) • અ બ્રિજ ટૂ ફાર (૧૯૭૭) • ટાઈમ બેન્ડિટ્સ (૧૯૮૧) • હાઈલેન્ડર (૧૯૮૬) • ધ નેમ ઓફ ધ રોઝ (૧૯૮૬) • ધ અનટચેબલ્સ (૧૯૮૭) • ઈન્ડિયાના જોન્સ એન્ડ લાસ્ટ ક્રૂઝેડ (૧૯૮૯) • ફેમિલી બિઝનેસ (૧૯૮૯) • ધ હન્ટ ફોર ધ રેડ ઑક્ટોબર (૧૯૯૦) • મેડિકલ મેન (૧૯૯૨) • રાઈઝિંગ સન (૧૯૯૩) • અ ગૂડ મેન ઈન આફ્રિકા (૧૯૯૪) • ધ રોક (૧૯૯૬) • ફાઈન્ડિંગ ફોરેસ્ટર (૨૦૦૦)


