લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સના લેટિંગ એજન્ટ ટોની સિંહ ઉર્ફે અમુનસિંહ જજ સામે 100થી વધુ ભાડૂઆતોની ડિપોઝિટ પરત ન કરવાનો આક્ષેપ થયો છે. મોર્ગન, પેન એન્ડ નાઇટલી નામની એજન્સી ચલાવતા ટોની સિંહ પર મકાનમાલિકોના ભાડાના નાણાં પણ ચૂકવવામાં નિષ્ફળ રહેવાના ગંભીર આરોપો લાગ્યા છે. જેના કારણે ભાડૂઆતો અને મકાનમાલિકોના મળીને સેંકડોથી હજારો પાઉન્ડ અટવાયા છે, જેમાં વ્યક્તિગત લેણાં 700થી 16,000 પાઉન્ડ સુધીના છે.
અગાઉ પણ ટોની સિંહ અને તેની કંપની વિરુદ્ધ કાઉન્ટી કોર્ટ દ્વારા અનેક ચુકાદા આપવામાં આવ્યા છે. વર્ષ 2025માં એજન્સીને મની લોન્ડરિંગના નિયમોના ઉલ્લંઘન બદલ 2,150 પાઉન્ડનો દંડ થયો હતો, જ્યારે એપ્રિલ 2026માં ગેરકાયદેસર બરતરફી અને લઘુત્તમ વેતન ન આપવા બદલ પણ અદાલતે ચુકાદો આપ્યો હતો. હવે વેસ્ટ બ્રોમવિચ સ્થિત તેની ઓફિસ બંધ થઈ ગઈ છે અને લેણદારોના ફોન કે ઈમેલનો કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નથી. લેટિંગ એજન્ટ ટોની સિંહ તરફથી આ તમામ આક્ષેપો અંગે કોઈ પ્રતિસાદ કે ટિપ્પણી પ્રાપ્ત થઈ નથી.


