લંડન
મકાન ભાડે અપાવતી એજન્સીઓ કમિશન પેટે હજારો પાઉન્ડની કમાણી કરી રહી છે અને કેટલાક કિસ્સામાં ભાડૂઆતો પાસે વિવાદાસ્પદ ઝીરો ડિપોઝિટ સ્કીમ પર હસ્તાક્ષર કરાવીને ટેનેન્ટ ફી પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરી રહી છે. ઇંગ્લેન્ડમાં કેટલીક એજન્સીઓ દ્વારા આ પ્રકારની પ્રેસર સેલિંગ ટેક્ટિક અપનાવવામાં આવી રહી છે જેમાં લોકોને ભાડાનું મકાન જાળવી રાખવા માટેની શરત સાથે હસ્તાક્ષર કરાવવામાં આવી રહ્યાં છે. ઝીરો ડિપોઝિટ સ્કીમમાં સ્ટાન્ડર્ડ સિક્યુરિટી ડિપોઝિટના સ્થાને એક સપ્તાહના ભાડા જેટલી ફી ઉઘરાવવામાં આવી રહી છે. સ્ટાન્ડર્ડ સિક્યુરિટી ડિપોઝિટમાં પાંચ સપ્તાહનું ભાડુ જમા કરાવવાનું હોય છે. ઝીરો સિક્યુરિટી ડિપોઝિટ સ્ટાન્ડર્ડ સિક્યુરિટી ડિપોઝિટની જેમ રિફંડેબલ હોતી નથી અને મકાનમાં કોઇપણ પ્રકારના નુકસાન માટે ભાડૂઆત જવાબદાર રહે છે. તેમણે મેમ્બરશિપ રિન્યુઅલ પેટે વધારાની ફી પણ ચૂકવવી પડે છે જે સ્ટાન્ડર્ડ ડિપોઝિટમાં ચૂકવવાની રહેતી નથી. જો કોઇ મતભેદ સર્જાય તો ફી જપ્ત કરી લેવામાં આવે છે. આ પ્રકારની ચિંતાઓ છતાં લેટિંગ એજન્ટો દ્વારા ભાડૂઆતો પર આ પ્રકારની સ્કીમ પર હસ્તાક્ષર કરવાનું દબાણ કરાય છે. લેટિંગ એજન્ટોને પ્રત્યેક ભાડૂઆત પર 30 ટકા જેવું તગડું કમિશન ચૂકવવામાં આવે છે.


