લંડનઃ યુકેના દિવંગત મહારાણી ક્વીન એલિઝાબેથ-દ્વિતીય સૌથી વધુ 70 વર્ષ સુધી શાસન કરનારાં શાસક તરીકે વિક્રમ ધરાવે છે, પરંતુ શું તમે એ જાણો છો કે એક બ્રિટનના એક મહારાણીના નામે માત્ર 9 દિવસ શાસન કરવાનો વિક્રમ નોંધાયેલો છે! ઈંગ્લેન્ડના ક્વીનનું નામ છે લેડી જેન ગ્રે. તેમણે માત્ર 9 દિવસ એટલે કે 10 જુલાઈથી 19 જુલાઈ 1553 સુધી તાજ ધારણ કર્યો હતો. બ્રિટિશ ઈતિહાસમાં આ સૌથી ઓછાં સમયનું શાસન છે.
કિંગ હેન્રી સાતમાના ગ્રેટ ગ્રાન્ડડોટર જેન ગ્રેએ તેમના કઝીન કિંગ એડવર્ડ છઠ્ઠા પાસેથી રાજગાદી મેળવી હતી. કેથોલિક કઝીન મેરી ટ્યુડોરને રાજગાદી પર આવતાં અટકાવવાં જેન ગ્રેને ઈંગ્લેન્ડના ક્વીન તરીકે જાહેર કરી દેવાયાં હતાં. આ પછી મેરી ટ્યુડોરે બળવો કરી જેન ગ્રેને પદભ્રષ્ટ કરી ગાદી સંભાળી લીધી હતી અને લેડી જેનને ટાવર ઓફ લંડનના ટાવર ગ્રીન ખાતે ફાંસી અપાઈ હતી.
કિંગ હેન્રી-આઠમાનું 1547માં અવસાન થયું, ત્યારે તેમનો પુત્ર એડવર્ડ-છઠ્ઠા માત્ર નવ વર્ષની ઉંમરે વારસદાર બન્યા અને તે પુખ્ત થાય ત્યાં સુધી રિજન્સી કાઉન્સિલે તેમના વતી શાસન કર્યું હતું. હેન્રીની ભત્રીજી, એડવર્ડની સમવયસ્ક અને પિતરાઈ બહેન જેન ગ્રે 1537માં જન્મ સમયે સિંહાસનની ચોથી હકદાર હતી. એડવર્ડ કિંગ બનવા સાથે તે કિંગ હેન્રીની પુત્રીઓ મેરી અને એલિઝાબેથ (એડવર્ડની સાવકી બહેનો) પછી ત્રીજા ક્રમે આવી હતી.
ટીનેજર જેન તે કાળમાં અસાધારણપણે શિક્ષિત હતી. ગ્રીક, લેટિન, ફ્રેન્ચ, ઈટાલિયન અને હિબ્રુ સહિતની વિવિધ ભાષાઓની જાણકાર, શૈક્ષણિક, ઘરેલું કૌશલ્યોમાં નિપુણ, ધાર્મિક, અભ્યાસુ અને આકર્ષક વ્યક્તિ તરીકે જાણીતી હતી. તેના માતા લેડી ફ્રાન્સેસ અને પિતા હેન્રી ગ્રેએ ડ્યૂક ઓફ નોર્થમ્બરલેન્ડના 18 વર્ષીય પુત્ર લોર્ડ ગિલ્ડફોર્ડ ડડલી સાથે લગ્નની વાટાઘાટ કરી અને તે 16 વર્ષની હતી ત્યારે તેની ઇચ્છાવિરુદ્ધ 25 મે 1553માં તેમના લગ્ન થયાં.
આ દરમિયાન, રાજા એડવર્ડ ગંભીર બીમાર થવા સાથે મૃત્યુ નજીક આવતા ડ્યૂક ઓફ નોર્થમ્બરલેન્ડ જોન ડડલીએ કિંગ એડવર્ડની સાવકી બહેનો મેરી તેમજ એલિઝાબેથ બંને વિદેશીઓ સાથે લગ્ન કરી શકે અને બ્રિટિશ રાજગાદીને નબળી પાડશે તેવો ભય ફેલાવી ઉત્તરાધિકારના ક્રમમાં તેમની પુત્રવધૂ જેનને આગળ વધારી દીધી હતી. ઉત્તરાધિકારની કાયદેસરતાના વિવાદો વચ્ચે જેનને એડવર્ડની વારસદાર જાહેર કરાઈ અને કિંગ એડવર્ડનું 6 જુલાઈ, 1553ના રોજ અવસાન થવા સાથે જેનના શિરે ક્વીનનો તાજ મૂકાયો હતો.
જેનને ક્વીન બનવાની વાતથી જ ભારે આશ્ચર્ય થયું હતું. જોકે, તેના પતિ લોર્ડ ગિલ્ડફોર્ડને પણ કિંગ બનવાના અભરખા હતા, પરંતુ જોનની યોજના ચાલી નહિ. પરંપરા અનુસાર જેન તાજપોશી પહેલાં તેના, માતાપિતા, પતિ અને સાસુ સાથે દબદબાપૂર્વક ટાવર ઓફ લંડનમાં રહેવા ગઈ અને 10 જુલાઈએ તેની તાજપોશી કરાઈ હતી.
બીજી તરફ, જેનની પિતરાઈ મેરીને રાજગાદીના કાયદેસર ઉત્તરાધિકારી તરીકે ભારે સપોર્ટ હતો. મેરીને પકડી લેવા નાનું લશ્કર મોકલાયું, પણ તે શક્ય બન્યું નહિ અને રિજન્સી કાઉન્સિલે 19 જુલાઈ 1553ના દિવસે મેરીને ક્વીન તરીકે જાહેર કરી દીધી. આમ, લેડી જેન ગ્રેના માત્ર નવ દિવસના રાણીપદનો અંત આવી ગયો અને ટાવર ઓફ લંડનમાં પતિ સાથે જેલવાસ થયો. 12 ઓગસ્ટે લેડી જેન અને લોર્ડ ગિલ્ડફોર્ડને દેશદ્રોહના દોષી જાહેર કરાયા હતા. પતિ અને પત્નીને 12 ફેબ્રુઆરી 1554ના દિવસે થોડા કલાકોના અંતરે ફાંસીના માંચડે ચડાવી દેવાયાં હતા. જીવનના અંત સમયે લેડી જેન ગ્રેની વય માત્ર 17 વર્ષની હતી.