લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાના આશાવાદ વચ્ચે લેન્ડરો વચ્ચે મોર્ગેજ રેટનું યુદ્ધ શરૂ થઇ ગયું છે. બ્રિટનના સૌથી મોટા મોર્ગેજ પ્રોવાઇડર હેલિફેક્સે મોર્ગેજ દરમાં 0.92 ટકાનો ઘટાડો કર્યો છે. તેનો અર્થ એ થયો કે 3 લાખ પાઉન્ડની 25 વર્ષની લોન પર દર મહિને 162 પાઉન્ડની બચત થશે. લીડ્સ બિલ્ડિંગ સોસાયટી દ્વારા પણ મોર્ગેજ રેટમાં 0.49 પર્સન્ટેજ પોઇન્ટનો ઘટાડો કરાયો છે. કેન્સિંગ્ટન જેવા અન્ય લેન્ડરે પણ મોર્ગેજ દરોમાં ઘટાડો શરૂ કરી દીધો છે અને નવી સસ્તી લોન જાહેર કરે તેવી સંભાવના છે. મોર્ગેજ બ્રોકર રેનાલ્ડ મિચેલે જણાવ્યું હતું કે, 2024માં મોર્ગેજ દરોના મામલે કંપનો વચ્ચે ઘમસાણ સર્જાવાની સંભાવના છે. કંપનીઓ નવો બિઝનેસ મેળવવાની સાથે તેમના વર્તમાન ગ્રાહકોને જાળવી રાખવા સંઘર્ષ કરી રહી છે.

