લંડનઃ ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીએ દાવો કર્યો છે કે હું ડેવિડ અને ગોલિયાથની લડાઇ લડી રહ્યો છું. હું હાલ બ્રિટનની જેલમાં છું અને મારી પાસે લેપટોપ કે ઇન્ટરનેટ જેવી કોઇ સુવિધા નથી. બેન્ક ઓફ ઇન્ડિયા સાથેના 8.4 મિલિયન ડોલર (રૂપિયા 73.4 કરોડ)ના કેસમાં નીરવ મોદીએ તેમના પર બેન્કનું કોઇ દેવુ હોવાનો ઇનકાર કર્યો હતો. આ કેસની સુનાવણી લંડન હાઇકોર્ટમાં જાન્યુઆરી 2026થી શરૂ થવાની છે.
ભારતમાં જન્મેલા બિઝનેસમેન નીરવ મોદીએ ગુરુવારે હાથ ધરાયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે, જો મારી સામે આ કેસ ચલાવવામાં આવશે તો ન્યાયી સુનાવણીના મારા અધિકારોનું ઉલ્લંઘન થશે. લેપટોપ અને ઇન્ટરનેટની મદદ વિના હું મારો કેસ લડી શક્તો નથી. જો હું દસ્તાવેજો અથવા સાક્ષીઓની જુબાની પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરું તો મારે વધુ ક્રિમિનલ ચાર્જનો સામનો કરવો પડશે.
નીરવ મોદીએ કોર્ટને જણાવ્યું હતું કે, બેન્કની પાસે ટેન્ક અને મિસાઇલો છે જ્યારે હું લાકડીથી લડી રહ્યો છું. મારા કેસની સુનાવણી સ્થગિત કરી દેવી જોઇ. ઇડીએ મારા સર્વર પણ જપ્ત કરી લીધાં છે અને મારી પાસે કોઇ માહિતી નથી.