લેપટોપ અને ટેબલેટના બેફામ ઉપયોગના કારણે બાળકોએ લખવાની ક્ષમતા ગુમાવી

બ્રિટનની શાળાઓ હસ્તલેખન સુધારવા હેન્ડરાઇટિંગ સ્પેશિયાલિસ્ટ્સની નિયુક્તિ કરશે

Wednesday 27th July 2022 06:18 EDT
 
 

લંડન

કોરોના મહામારી દરમિયાન લેપટોપ અને ટેબલેટના બેફામ ઉપયોગ અને લખવાની પ્રેકટિસ છૂટી જવાના કારણે બ્રિટનમાં વિદ્યાર્થીઓ લખવાની ક્ષમતા ગુમાવી બેઠાં છે. બાળકોમાં ઉદ્દભવેલી આ નવી સમસ્યા સામે લડવા હવે શાળાઓ હેન્ડરાઇટિંગ સ્પેશિયાલિસ્ટ્સની નિયુક્તિ કરી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓને હેન્ડ રાઇટિંગ સ્પેશિયાલિસ્ટ્સ સાથે વધુ સમય વીતાવવો પડશે. તે ઉપરાંત અભ્યાસમાં પાછળ રહી ગયેલા બાળકો માટે વિશેષ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ્સની નિયુક્તિ કરાશે. એસોસિએશન ઓફ સ્કૂલ એન્ડ કોલેજ લીડર્સના જનરલ સેક્રેટરી જ્યોફ બાર્ટોને જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે બાળકોના ભણતર પર ગંભીર અસરો પડી છે તે વાતમાં કોઇ શંકા નથી. યુ સેટ્સના પરિણામો બતાવે છે કે બાળકોના લેખન, ગણિત, વ્યાકરણ અને સ્પેલિંગના ધોરણોમાં મોટો ઘટાડો થયો છે. લેખન પ્રવૃત્તિમાં તો પરિણામો 10 ટકા જેટલાં નીચાં આવ્યાં છે. લોકડાઉનના કારણે કરોડો લાખો વિદ્યાર્થીઓને ઘેર બેઠા લેપટોપ અને ટેબલેટ દ્વારા શિક્ષણ કાર્યમાં ભાગ લેવાની ફરજ પડી હતી. શાળાઓ ફરી શરૂ થઇ ત્યારે પણ મોટી સંખ્યામાં શિક્ષકો અને બાળકો ગેરહાજર રહેવાના કારણે તેમના અભ્યાસમાં વધુ અવરોધો આવ્યા હતા. તેના કારણે તેમની લખવાની ક્ષમતાઓને પણ મોટું નુકસાન થયું હતું.

બાળકો જ્યારે લખવાનો પ્રારંભ કરે છે ત્યારે અક્ષરનો ઉચ્ચાર અને તેને કાગળ પર મૂર્તિમંત કરવો જટિલ પ્રક્રિયા છે. બાળકોને કેવી રીતે લખવુ તે શીખવવું પડે છે. બાળકોમાં લખવાની ઘટેલી ક્ષમતાની સમસ્યા સામે લડવા અત્યારે સરકાર દ્વારા અપાતા ટ્યુટોરિંગ ફંડિંગનો ઉપયોગ શાળાઓ કરી રહી છે. 2022-23માં નેશનલ ટ્યુટોરિંગ ફંડ અંતર્ગત શાળાઓને 349 મિલિયન પાઉન્ડની ફાળવણી કરાઇ છે. આ રકમ શાળાઓના કુલ ખર્ચના 75 ટકા આવરી લે છે જ્યારે બાકીના 25 ટકાની વ્યવસ્થા શાળાએ પોતે કરવાની હોય છે.

બ્રુનેલ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલી નવી યોજના અંતર્ગત યુનિવર્સિટીના ઓક્યુપેશનલ થેરાપીના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાઓમાં જઇને હસ્તલેખન સુધારવામાં મદદ કરશે. કોરોના મહામારી પછી શિક્ષણમાં સુધારા માટે સરકાર 4.9 બિલિયન પાઉન્ડ ખર્ચી ચૂકી છે.

બાળકોને કટ્ટર બનાવવાની પ્રવૃત્તિ અંગે મેટ્રોપોલિટન પોલીસની વાલીઓને ચેતવણી

મેટ્રોપોલિટન પોલીસે વાલીઓને ચેતવણી આપી છે કે ઉનાળાના વેકેશન દરમિયાન તેમના બાળકોમાં કટ્ટરવાદના કોઇ ચિન્હો દેખાય છે કે કેમ તે અંગે સાવધ રહે. ઉનાળામાં બાળકો મોટાભાગનો સમય ઇન્ટરનેટ પર વીતાવતા હોવાથી આ પ્રકારની ચેતવણી જારી કરાઇ છે. ડિટેક્ટિવ જેન કોરિગને જણાવ્યું છે કે બાળકોને કટ્ટરવાદી બનતાં અટકાવવા લંડનની તમામ શાળાઓને પત્ર લખાયો છે જેમાં વાલીઓને તેમના બાળકોમાં કટ્ટરવાદનો પગપેસારો ન થાય તે માટે સાવધાની રાખવા જણાવવા નિર્દેશ અપાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter