લંડનઃ લેપટોપના અભાવને લીધે ૪૫૦,૦૦૦થી વધુ બાળકો ઘરેથી ઓનલાઈન ભણવામાં મુશ્કેલી અનુભવતા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડામાં જણાયું હતું. માર્ચમાં મોટાભાગના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો બંધ થઈ ગઈ હતી. તેનો અર્થ એ થાય કે ઈંગ્લેન્ડમાં કેટલાંક બાળકો સપ્ટેમ્બરમાં ફૂલ ટાઈમ અભ્યાસ માટે આવશે ત્યાં સુધી એટલે કે લગભગ છ મહિના સુધી સ્કૂલ ગયા નહિ હોય.
બાળકોને ઘરેથી ભણવામાં મુશ્કેલી પડતી હોવાની ૫૨.૨ ટકા પેરન્ટ્સે ફરિયાદ કરી હતી. લગભગ ૪૫૫,૩૮૪ લોકો એટલે કે ૮.૫ ટકાએ બાળકોની મુશ્કેલી માટે લેપટોપ સહિતના સાધનોની અછતને જવાબદાર ગણાવી હતી કારણકે હોમ લર્નિંગમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટ મહત્ત્વના છે. ONS મુજબ આ ટકાવારી જૂનના અંતમાં વધીને ૨૦.૯ ટકા થઈ હતી.
આંકડા મુજબ અતિ ગરીબ પરિવારોને સૌથી વધુ મુશ્કેલી પડી હતી. ૧૦,૦૦૦ પાઉન્ડથી ઓછું કમાતા ૧૭.૫ ટકા પેરન્ટ્સે જણાવ્યું હતું કે લેપટોપ્સ ન મળવાને લીધે તેમના બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. આ સામે ૪૦,૦૦૦ પાઉન્ડ કમાતા માત્ર ૧.૨ ટકા પરિવારના બાળકોને આ મુશ્કેલી ભોગવવી પડી હતી.
શાળાઓ બંધ રહેવાને લીધે ભવિષ્યમાં યુવાનોની કમાવાની ક્ષમતા દર વર્ષે લગભગ ૩ ટકા જેટલી ઘટી જશે અને આગામી દાયકાઓ સુધી બ્રિટિશ અર્થતંત્રને નુક્સાન પહોંચાડશે તેવી ચેતવણી રોયલ સોસાયટીના ડેટા ઈવેલ્યુએશન એન્ડ લર્નિંગ ફોર વાયરલ એપિડમિક્સ (Delve) દ્વારા અપાઈ હતી. તેના અહેવાલમાં જણાવાયું હતું કે સરકારે ઓટમમાં સ્કૂલો શરૂ કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ અને આગામી મહિનાઓ સુધી સ્કૂલો ચાલુ રાખવાનો પ્રયાસ કરવો પડશે.