લંડનઃ લેબર પાર્ટીના બ્રેડફોર્ડ વેસ્ટના સાંસદ નાઝ શાહને ગોળીથી ઠાર મારવાની ધમકી મળ્યા પછી પરિવાર- બાળકો સાથે અડધી રાતે જ ઘર છોડી નાસી જવાની ફરજ પડી હતી. સાંસદનો જાન લેવાની ધમકી આપતા કોમ્યુનિકેશન કરનારા ૩૦ વર્ષીય મહિલા સન્ડાસ આલમે ગુરુવાર, ૨૮ ઓક્ટોબરે યોર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ ગુના કબૂલ કર્યા હતા. તેને ૨૯ નવેમ્બરે સજાની જાહેરાત કરાશે.
સાંસદ નાઝ શાહે જણાવ્યું હતું કે તેમને અગાઉ ઘણી વખત મોતની ધમકી મળી છે પરંતુ તેમણે પહેલી વખત 999 ને ફોન કર્યો હતો કારણકે ફાયરઆર્મની આ ધમકીથી ભારે જોખમ હોવાનું જણાયું હતું. ધમકી આપનાર મહિલાએ ક્લોન્ડ ઈમેઈલ સરનામાઓનો ઉપયોગ કર્યો હતો જેના કારણે સશસ્ત્ર પોલીસે પરિવારને રાતે બહાર લઈ જવાની ફરજ પડી હતી. એપ્રિલ મહિનામાં એલર્ટનો પ્રતિભાવ આપતા યોર્કશાયર પોલીસે આલમની ૨૦ કલાક પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૧૯માં વૂડલેન્ડ્સ, ટ્રાન્મીઅરના ૫૭ વર્ષીય સ્ટુઅર્ટ હાન્સનને મિસ શાહને ધમકીભર્યા ઈમેઈલ્સ મોકલવા બદલ ૧૨ સપ્તાહની જેલની સજા કરાઈ હતી.


