લેબર કન્વેન્શન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત સાથેના ભાવિ સંબંધો પર ચર્ચાનું આયોજન કરાયું

Tuesday 17th October 2023 12:48 EDT
 
 

લંડનઃ આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટીની સરકારની સંભાવનાઓને જોતાં લેબર કન્વેન્શન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન દ્વારા સાંસદો, બિઝનેસ લીડર્સ, રાજદ્વારીઓ અને કોમ્યુનિટી લીડર્સ સાથે ભારત સાથેના ભાવિ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવા ડીનરનું આયોજન કરાયું હતું. જેમાં હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો, ભારતના હાઇ કમિશનના વડા, બાંગ્લાદેશના હાઇ કમિશ્નર અને નેપાળના રાજદૂત હાજર રહ્યાં હતાં.

લેબર પાર્ટીના શેડો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનર, શેડો પે માસ્ટર જનરલ જોનાથાન એશવર્થ, શેડો મિનિસ્ટર કેથરિન વેસ્ટ સહિતના શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ અને મિનિસ્ટરો તથા બિઝનેસ લીડર્સે આ મુલાકાતમાં બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધ વધુ મજબૂત બનાવવા ઉપરાંત વેપારથી માંડીને વિકાસ જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. એલસીઆઇઓનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધો અંગેની ચર્ચા વ્યાપક બનાવવાની દિશામાં આ વધુ એક પગલું હતું.

આ પ્રસંગે લેબર સાંસદ નવેન્દુ મિશ્રાએ જણાવ્યું હતું કે,સરકારમાં સંભવિત બદલાવની સંભાવનાઓને જોતાં ભારત, બાંગ્લાદેશ અને નેપાળ સહિતના વિવિધ દેશો સાથેના બ્રિટનના સંબંધોના ભાવિ પર ચર્ચા મહત્વની છે. લેબર પાર્ટીની સરકાર વૈશ્વિક મંચ પર બ્રિટનના વલણમાં બદલાવ લાવશે, ઘરઆંગણે તથા વિદેશોમાં સારા પગારની નોકરીઓના સર્જન માટેના કરારોને પ્રોત્સાહન આપશે. તેથી આ પ્રકારની ચર્ચાઓ જારી રાખવા વિવિધ દેશોના મહત્વના અગ્રણીઓને એક મંચ પર લાવવા મદદરૂપ બની રહેશે.

લેબર કોન્ફરન્સમાં કાશ્મીર પરનો ઠરાવ નકારી કઢાયો

યુકેની લેબર પાર્ટીએ લીવરપૂલ ખાતે આયોજિત વાર્ષિક કોન્ફરન્સમાં રજૂ કરાયેલ કાશ્મીરમાં કથિત હિંસા અને અધિકારોના ઉલ્લંઘન અંગેનો ઠરાવ નકારી કાઢ્યો હતો. બર્મિંગહામ હોજ હિલ કન્સ્ટિટ્યુઅન્સી લેબર પાર્ટી દ્વારા ચર્ચા માટે આ ઠરાવ રજૂ કરાયો હતો. હોજ હિલમાં 38 ટકા વસતી પાકિસ્તાની મૂળના લોકોની છે. આ ઠરાવને સ્ટોક-ઓન-ટ્રેન્ટ સેન્ટ્રલ સીએલપી દ્વારા સમર્થન અપાયું હતું. ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે, કોન્ફરન્સ આ વિવાદાસ્પદ પ્રદેશને સંબંધિત તમામ યુએન ઠરાવોની નોંધ કરે છે અને કાશ્મીરી લોકોના અધિકારના સંદર્ભમાં યુએનના ઠરાવોને માન્યતા આપવા ભવિષ્યની લેબર સરકારને અપીલ કરે છે. સરકારમાં આવ્યા બાદ લેબર પાર્ટી કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરશે. આ કામ ભારત અને પાકિસ્તાનને એક મંચ પર લાવીને જ થઇ શકે છે. લોકશાહી પરના હુમલા અને માનવ અધિકારના ઉલ્લંઘન વિરુદ્ધ બોલતાં લેબર પાર્ટી શરમ અનુભવશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter