લંડનઃ લોકલ લેબર કાઉન્સિલર શિવા તિવારીએ 6 વર્ષ બાદ પાર્ટી સાથે છેડો ફાડતાં કન્ઝર્વેટિવ પાર્ટી સાથે હાથ મિલાવી લીધા છે. તેમણે આરોપ મૂક્યો હતો કે લેબર પાર્ટી આર્થિક વિકાસ કરાવી શકે તેમ નથી. તિવારીએ એક ઇ-મેલ સંદેશમાં પોતાના સાથીઓને પોતે કન્ઝર્વેટિવ પાર્ટીમાં સામેલ થઇ રહ્યા હોવાની જાણકારી આપી હતી.
વેસ્ટ હેમ્પસ્ટેડના કાઉન્સિલર શિવા તિવારીએ દેશમાં સત્તાધારી લેબરની આર્થિક નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દુઃખની વાત એ છે કે મારા માટે મહત્વના એવા સિદ્ધાંતોનો લેબર પાર્ટી છેલ્લા કેટલાક વર્ષમાં ત્યાગ કરી ચૂકી છે. ફેમિલી વેલ્યૂ, આકરો પરિશ્રમ, પ્રેરણા, ધબકતું પ્રાઇવેટ સેક્ટર અને સારી જાહેર સેવાઓ મારા સિદ્ધાંત છે.
તિવારીએ જણાવ્યું હતું કે, લેબર પાર્ટી આપણા દેશનો આર્થિક વિકાસ કરી શકે તેમ નથી. પાર્ટી લિવિંગ સ્ટાન્ડર્ડ સુધારવા અને દરેકને સમાન તક આપી શકે તેમ પણ નથી. અમારી કાઉન્સિલમાં પણ લેબર પાર્ટીમાં લોકતાંત્રિક વાતાવરણ નથી. કચરાના નિકાલ, સડકો, હાઉસિંગ મેન્ટેનન્સની સેવાઓ ખાડે ગઇ છે.